સંસ્કારી નગરી વડોદરા ખાતે બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ અત્યંત ભક્તિભાવ અને દબદબાભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ સહિત લાખો ભક્તોની ઉપસ્થિતિમાં આધ્યાત્મિકતાનો અનોખો સંગમ રચાયો હતો.


ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ઐતિહાસિક સિદ્ધિ

આ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ બાળકો દ્વારા સ્થાપિત કરવામાં આવેલો વિશ્વવિક્રમ રહ્યો હતો.‘Largest Simultaneous Hindu Text Recital’ (હિન્દુ ગ્રંથનું સૌથી વિરાટ સમૂહગાન). 3 થી 13 વર્ષની વયના કુલ 15,666 બાળકોએ મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત 'સત્સંગદીક્ષા' ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કર્યો હતો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓએ આ પૈકી 12,723 બાળકોની સત્તાવાર નોંધણી કરી વૈશ્વિક સન્માન એનાયત કર્યું હતું. કોઈ ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં બાળકોએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ કંઠસ્થ કર્યો હોય તેવી આ વિશ્વની વિરલ ઘટના છે.

રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ

આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન 'જબલપુર' (MP) નો ઉલ્લેખ કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મોકલવામાં આવેલા શુભેચ્છા પત્રનું પણ આ પ્રસંગે વાંચન કરવામાં આવ્યું હતું.

મહંત સ્વામી મહારાજના પ્રેરણાદાયી આશીર્વચન

પોતાના 92મા જન્મદિને આશીર્વાદ આપતા મહંત સ્વામી મહારાજે જણાવ્યું કે, "આ જે ગિનિસ બુકનું સન્માન મળ્યું છે, તે બાળકોની કઠણ મહેનત, સંતો અને વાલીઓના પુરુષાર્થનું પરિણામ છે. આ સન્માન હું તમામ ગુરુઓને સમર્પિત કરું છું." તેમણે 'બીજાના આનંદમાં આપણો આનંદ'ના સૂત્રને સાર્થક કરવા અને સંપ, સુહૃદભાવ તથા એકતા સાથે જીવન જીવવા પ્રેરણા આપી હતી.

મહોત્સવની ઝલક

 800થી વધુ સંતો અને અંદાજે 2 લાખ ભક્તોએ સ્થળ પર હાજરી આપી હતી.  14,000 સ્વયંસેવકોએ 34 વિભાગોમાં છેલ્લા ત્રણ મહિનાથી રાત-દિવસ સેવા આપી હતી. કાર્યક્રમના અંતે લાખો દીવડાઓના પ્રકાશમાં થયેલી મહાઆરતીએ દિવ્ય વાતાવરણ સર્જ્યું હતું.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ અને સુવ્યવસ્થિત આયોજન સાથે આ મહોત્સવ વિશ્વભરના અસંખ્ય ભક્તોએ ઓનલાઇન માધ્યમથી નિહાળી ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો: Valsad: સાયબર ક્રાઇમનું ‘ઓપરેશન મ્યુલ હન્ટ’, છેતરપિંડીના નાણાં સગેવગે કરનાર આરોપી ઝડપાયો

  • Follow us on: