વડોદરાના નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટનો નિકાલ કરવાના રેકેટમાં પોલીસ અને GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. નંદેસરી પોલીસ દ્વારા ઝડપાયેલા બે ટેન્કરોની પૂછપરછમાં આ તપાસનો રેલો હવે આણંદ જિલ્લાના સોજીત્રા સુધી પહોંચ્યો છે.

સોજીત્રાની કંપનીનું નામ ખુલ્યું

નંદેસરી પોલીસે ગઈકાલે કેમિકલ વેસ્ટ ભરેલા બે શંકાસ્પદ ટેન્કરો ઝડપી પાડ્યા હતા. આ ટેન્કરોમાં રહેલા કેમિકલ અને તેના સ્ત્રોતની તપાસ કરતા આણંદની સોજીત્રા GIDCમાં આવેલી 'ઈન્ફિનિટી ફાર્મા' (Infinity Pharma) નું નામ સપાટી પર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘાતક કેમિકલ વેસ્ટ ઈન્ફિનિટી ફાર્મા દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેનો નિકાલ નિયમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યો હતો.

GPCBની આકરી કાર્યવાહી

આ મામલે GPCB એ તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી છે. ઈન્ફિનિટી ફાર્માને આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે અને કંપનીના જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતા આ પ્રકારના ઝેરી વેસ્ટના ગેરકાયદે નિકાલના મૂળ સુધી પહોંચવા પોલીસ અને પ્રદૂષણ બોર્ડ સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે.

તપાસનો વ્યાપ વધશે

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સોજીત્રાની આ કંપની અત્યાર સુધી કેટલા ટેન્કર આ રીતે નંદેસરી કે અન્ય વિસ્તારોમાં ઠાલવી ચુકી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા ગજાની કંપનીઓ કે એજન્ટો સામેલ છે કે કેમ તે અંગે પણ આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો: Surendranagar:લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, પરિવારના 7 સભ્યોના મોતથી અરેરાટી