વડોદરાના શિનોર તાલુકાના સેગવા ગામે પત્ની સાથેના ઝઘડા બાદ એક આધેડે કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સેગવા ગામના 41 વર્ષીય દિનેશભાઈ પરમારે નર્મદા નિગમની સેગવા-સીમળી કેનાલમાં મોતની છલાંગ મારી હતી. બે દિવસની શોધખોળ બાદ તેમનો મૃતદેહ ઘટના સ્થળેથી બે કિલોમીટર દૂર તરતો મળી આવ્યો હતો.

પૈસા બાબતે થયો હતો વિવાદ

ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક દિનેશભાઈએ તેમની પત્ની પાસે રૂપિયાની માંગણી કરી હતી. જોકે, પત્નીએ પૈસા આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ વાતનું મનમાં દુઃખ લાગી આવતા દિનેશભાઈ ઘરેથી નીકળી ગયા હતા અને સેગવા-સીમળી પાસેથી પસાર થતી કેનાલ પાસે પહોંચ્યા હતા.


https://x.com/sandeshnews/status/2027281133554258389


બચાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા

કેનાલ પાસે પહોંચીને આધેડે પોતાનું પેન્ટ પાળી પર ઉતાર્યું હતું અને ધસમસતા પાણીમાં કૂદી ગયા હતા. આ સમયે ત્યાં હાજર બે વ્યક્તિઓએ તેમને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ પાણીનો વેણ એટલો પ્રચંડ હતો કે દિનેશભાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બે દિવસ બાદ તેમનો મૃતદેહ કેનાલના પાણીમાં તરતો જોવા મળ્યો હતો. શિનોર પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Vadodara News: પત્નીએ રૂપિયા ન આપતા પતિએ કેનાલમાં ઝંપલાવ્યું