વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. શહેરમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. થોડા સમયથી તેમની હૃદયરોગની સારવાર ચાલી રહી હતી.યોગેશ પટેલ વડોદરામાં ભાજપના સૌથી સિનિયર નેતા હતાં. તેઓ પક્ષમાં કદાવર નેતા તરીકે જાણીતા હતાં.
યોગેશ પટેલ સતત આઠ ટર્મથી ધારાસભ્ય રહ્યાં
વડોદરામાં યોગેશ પટેલ સતત આઠ ટર્મથી ધારાસભ્ય રહ્યાં છે. તેઓ ભાજપના મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ સત્યમ સુંદરમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતાં. તેમણે સુરસાગર તળાવની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની સ્થાપના પણ કરી હતી. તેઓ તેમના જીવનમાં એક પણ ચૂંટણી હાર્યા નથી.
1995માં તેઓ ભાજપમાં જોડાયા હતાં
તેઓ 1990માં જનતા પાર્ટીમાં જોડાયા હતાં. ત્યાર બાદ તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતાં. જનતાદળમાંથી તેઓ 1995માં ભાજપમાં જોડાયા હતાં. તેઓ શહેરની રાવપુરા બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. જ્યારે માંજલપુર બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. તેઓ આઠ વખત ધારાસભ્ય તરીકે જીત્યા હતાં.
https://twitter.com/Bhupendrapbjp/status/2061754894588235898
નવ નિર્માણ આંદોલનના આંદોલનકારી હતા
યોગેશ પટેલ જનતાદળના નેતા હતાં. તેઓ જનતાદળમાંથી ભાજપમાં જોડાયા હતાં. એક કાર્યકર તરીકેની ભૂમિકા બાદ તેઓ વડોદરામાં સૌથી મોટા કદાવર નેતા તરીકે ઉભર્યા હતાં. ગુજરાતમાં જ્યારે નવ નિર્માણ આંદોલન થયું ત્યારે તેઓ આ આંદોલનમાં પણ આંદોલનકારી તરીકે ભૂમિકા ભજવી ચૂક્યા હતાં.
વડોદરામાં લોકો તેમને કાકા તરીકે સંબોધતા
વડોદરામાં લોકો તેમને કાકા તરીકે સંબોધતા હતાં. તેઓ એક રાજકારણીથી ઉપર જનપ્રતિનિધિ તરીકે વધુ જાણીતા હતાં. તેઓ શહેરની સમસ્યાઓને લઈને રોજ સક્રિય અંદાજમાં જોવા મળતા હતાં. તેઓ પોતાની જ સરકાર સામે બિલકુલ નિર્ભય બનીને અવાજ ઉઠાવવા માટે તેઓ લોકોમાં ચાહના પામ્યા હતાં. તેઓ શહેરની કોઈપણ સમસ્યા મુદ્દે સરકારને પત્રો લખતા હતાં.
https://twitter.com/iJagdishBJP/status/2061753193751789987
તેમનો મુળ વ્યવસાય ફરાસખાનાનો હતો
તેઓ શરૂઆતમાં વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ અને વડોદરા વિકાસ મંચ બનાવી તેઓ વડોદરા કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતાં. પરંતુ ત્રણ ચૂંટણીઓમાં તેમનો પરાજય થયો હતો. 1978માં જ્યારે દૂધના ભાવમાં બરોડા ડેરીએ 10 પૈસાનો વધારો કર્યો ત્યારે તેમણે આંદોલનની શરૂઆત કરી હતી. શહેરમાં 200થી વધુ સ્થળો પર ભારે વિરોધ થયો હતો. આ દરમિયાન તેઓ એક દૂધ કેન્દ્રમાં આગચંપી થતાં તેઓ દાઝ્યા હતાં. તેમનો મુળ વ્યવસાય ફરાસખાનાનો હતો.
વડોદરામાં સંસ્કૃતિ સાથે ખૂબ નજીકથી જોડાયા
ધારાસભ્ય અને રાજકારણી ઉપરાંત તેઓ વડોદરામાં સંસ્કૃતિ સાથે ખૂબ નજીકથી જોડાયા હતાં. કોઈપણ ધાર્મિક પ્રસંગ હોય નવરાત્રિ, ગણેશોત્સવ કે અન્ય કોઈ પણ તહેવારના આયોજનમાં તેઓ આગળ પડતા હતાં. તેમના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ તેમણે જ મીડિયાને જણાવ્યો હતો. સાવલી ખાતેના ભીમનાથ મહાદેવ મંદિરના એક મહારાજે તેમને રાજકારણમાં પ્રવેશવાની સલાહ આપી હતી. ત્યાર બાદ યોગેશ પટેલ ધારાસભ્ય તરીકે સતત જીતતા હતાં.
ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ
ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી ભાજપ અને વિપક્ષના નેતાઓમાં પણ શોકની લહેર પ્રસરી ગઈ છે. અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ ભારે શોક વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં તેમના નિધન બાદ ફરી વિધાનસભા ખંડિત થઈ છે. અગાઉ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ વિધાનસભા ખંડિત થઈ હતી. આ બેઠક પર પેટા ચૂંટણીમાં ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર મેદાનમાં ઉતર્યા હતાં અને તેમનો ભવ્ય વિજય થયો હતો. હવે વડોદરાની માંજલપુર બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાશે.
આ પણ વાંચોઃ Vadodara: રાજ્યમાં ત્રણ સ્થળે વાવાઝોડાના કારણે 3 લોકોના કમકમાટીભર્યા મોત, 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત