ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા ભયાનક પલટા અને ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ આ કુદરતી આફત રાજ્યના ત્રણ અલગ-અલગ પરિવારો માટે કાળ સાબિત થઈ છે. વાવાઝોડા દરમિયાન પોતાની માલ-મિલકત અને પશુધનને બચાવવાના પ્રયાસોમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને પગલે ગ્રામ્ય પંથકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા
સૌથી હૃદયદ્રાવક ઘટના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માડકા ગામે સામે આવી છે. અહીં વાવાઝોડાના કારણે પતરાનો આખો શેડ હવામાં ફંગોળાઈને ધરાશાયી થઈ રહ્યો હતો. એ જ સમયે ઘર આંગણે બાંધેલી માસૂમ વાછરડીને બચાવવા માટે પરિવારના 42 વર્ષીય મોભી દોડ્યા હતા. પરંતુ કમનસીબે પતરા અને લોખંડના ભારેખમ એંગલો સીધા આ વ્યક્તિ પર પડતાં તેઓ નીચે દબાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓના કારણે તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
