વડોદરામાં એક પરિણીતાને સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી છે. અમદાવાદના એક યુવકે પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મ આચરી અને બ્લેકમેલિંગ દ્વારા લાખો રૂપિયા પડાવ્યા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ સમગ્ર મામલે બાપોદ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


પેઇંગ ગેસ્ટ બનીને ઘરમાં પ્રવેશ મેળવ્યો

મળતી માહિતી મુજબ, અમદાવાદનો રહેવાસી રાજેન્દ્ર સુથાર નામનો યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરાની પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તે પરિણીતાના ઘરે પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા આવ્યો હતો. આ દરમિયાન તેણે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

ઓનલાઇન ગેમિંગની ખોટ ભરવા રચ્યું કાવતરું

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રાજેન્દ્ર સુથાર ઓનલાઇન ગેમિંગમાં લાખો રૂપિયા હારી ગયો હતો અને પાયમાલ થઈ ગયો હતો. આ દેવું ભરપાઈ કરવા માટે તેણે પરિણીતાને નિશાન બનાવી હતી. તેણે આત્મહત્યા કરી લેવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. આ ડર બતાવીને તેણે મહિલા પાસેથી 15 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લીધી હતી.

પરિવારના સભ્યોએ યુવકને રંગેહાથ ઝડપ્યો

યુવકની શંકાસ્પદ હિલચાલ અને મહિલાની માનસિક સ્થિતિ જોઈ પરિવારજનોને શંકા ગઈ હતી. પરિણીતાના ભાઈ અને ભાભીએ સતર્કતા વાપરી રાજેન્દ્ર સુથારને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ ઘટના બાદ તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. બાપોદ પોલીસે આરોપી રાજેન્દ્ર સુથાર સામે બળાત્કાર, છેતરપિંડી અને ધમકાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આ કિસ્સો સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરતા પહેલા સાવચેત રહેવા માટે લાલબત્તી સમાન છે.

આ પણ વાંચો: Vadodara: કરજણના 3 મકાનમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ, મોટી જાનહાનિ ટળી

  • Follow us on: