વડોદરા શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) એ દારૂની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. આગામી તહેવારોને ધ્યાને રાખી બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો ઘુસાડવામાં આવે તેવી શક્યતાને પગલે પોલીસે બાતમીના આધારે નંદેસરી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
દારૂની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ
પીસીબી પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે. પોલીસે નંદેસરી નજીક હાઇવે પર નાકાબંધી કરીને શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. જેની કિંમત અંદાજે ₹34 લાખથી વધુ થાય છે.
ડ્રાઇવર અને ક્લીનર જેલભેગા
પોલીસે ટ્રકમાંથી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ ₹50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા શખ્સોની પૂછપરછમાં આ દારૂ કોણે મોકલ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તેની વિગતો મેળવવાની તજવીજ શરૂ કરાઈ છે.
4 મુખ્ય બુટલેગરો વોન્ટેડ
પ્રાથમિક તપાસમાં આ દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય 4 શખ્સોના નામ ખુલ્યા છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસનું માનવું છે કે તહેવારોની સિઝનમાં દારૂની માંગને પૂરી કરવા માટે બુટલેગરો અત્યારથી જ સક્રિય થયા છે, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનો ખેલ ઊંધો પડ્યો છે.
આ પણ વાંચો: Botad: હિટ એન્ડ રનના નામે હત્યાના પ્રયાસનો પર્દાફાશ, બાઇક સવાર પર કાર ચઢાવનાર બે આરોપી ઝડપાયા