વડોદરાના તરસાલી વિસ્તારમાં મનહર પાર્ક સોસાયટીમાં રહેતા 61 વર્ષીય શશીલીયા એન્ડ્રુ પિન્ટોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અને ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રીક્રુટમેન્ટ એન્ડ મેનપાવર સપ્લાયનો વ્યવસાય કરે છે.
નાણાં આપી શકે તેવી વ્યક્તિનો સંપર્ક કરાવવા જણાવ્યું
ફરિયાદમાં જણાવ્યું મુજબ, કોરોના મહામારી દરમિયાન કેટલીક કંપનીઓ તરફથી સમયસર ચુકવણી ન મળતા તેમની કંપની આર્થિક સંકડામણમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન તેમણે સી.એ. કેયૂર પટેલનો સંપર્ક કરી બેન્ક લોન અંગે વાત કરી હતી, પરંતુ લોન મંજૂર ન થતા નાણાં આપી શકે તેવી વ્યક્તિનો સંપર્ક કરાવવા જણાવ્યું હતું.
સુનિલ પરીખ પાસેથી કુલ રૂ. 1.57 કરોડ લીધા
આ બાદ ફરિયાદીનો સંપર્ક સુનિલ નલીનભાઈ પરીખ (રહે. તિરૂપતિ એપાર્ટમેન્ટ, જનતા રોડ, ઘાટલોડિયા, અમદાવાદ) સાથે કરાવવામાં આવ્યો હતો. મે-2021થી જૂન-2024 દરમિયાન ફરિયાદીએ સુનિલ પરીખ પાસેથી કુલ રૂ. 1.57 કરોડ લીધા હતા, જ્યારે સામે તેમણે રૂ. 4.39 કરોડ જેટલી રકમ ચૂકવી દીધી હતી.
આરોપીઓ દ્વારા વધુ રૂ. 80 લાખની માંગણી કરવામાં આવી
તેમ છતાં આરોપીઓ દ્વારા વધુ રૂ. 80 લાખની માંગણી કરવામાં આવી અને ફોન પર ધમકી આપવામાં આવતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ મામલે પોલીસે સુનિલ નલીનભાઈ પરીખ (રહે. આર્યમાન બંગલોઝ, થલતેજ-શીલજ રોડ, અમદાવાદ), રજનીકાંત અંબાલાલ રાવત (રહે. રથી એપાર્ટમેન્ટ, ધરમનગર, સાબરમતી, અમદાવાદ) અને જયેશ બાબુભાઈ પરમાર (રહે. એ બ્લોક-201, સેક્ટર-5, જુના વાડજ રામાપીરના ટેકરા પાસે, અમદાવાદ)ની ધરપકડ કરી હતી.
ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરી
પોલીસે ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ કરી હતી. રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખી છે.
આ પણ વાંચો----- Gujarat Flashback 2025 : ગુજરાતમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ 6.5 કરોડથી વધુ વૃક્ષો રોપાયા હતા, દેશભરમાં ત્રીજા ક્રમે રહ્યું હતું ગુજરાત