બરોડા ડેરીની આગામી ચૂંટણીને લઈને વડોદરા જિલ્લાના સહકારી અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ડેસર તાલુકામાં ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ ખેલાતા પક્ષની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી ગઈ છે. ભાજપના સત્તાવાર મનાતા ઉમેદવાર અને વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી (વાઘેલા) સામે ભાજપ સમર્પિત 6 સભ્યોએ ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરતા રાજકારણ તેજ બન્યું છે.

ભાજપ સામે ભાજપનો જંગ

ડેસર બેઠક પર ભાજપમાં બે ફાંટા પડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વર્તમાન બોર્ડના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ ગત રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે, તેમની સામે પક્ષના જ 6 જેટલા સભ્યોએ બાયો ચઢાવી છે અને તેઓ આજે સામૂહિક રીતે ફોર્મ ભરીને કુલદીપસિંહને પડકાર ફેંકશે. આ બળવાને કારણે ભાજપ સંગઠન માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે.

ધારાસભ્ય કેતન ઇનામદાર સાથેનો વિવાદ

આ સમગ્ર વિવાદ પાછળ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને કુલદીપસિંહ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલું 'કોલ્ડવોર' જવાબદાર હોવાનું મનાય છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ, ધારાસભ્ય અને ડિરેક્ટર વચ્ચેના મનભેદ હવે ચૂંટણી મેદાનમાં દેખાઈ રહ્યા છે. જે 6 સભ્યો ફોર્મ ભરવાના છે, તેઓ ધારાસભ્ય જૂથના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સહકારી ક્ષેત્રમાં જૂથવાદ વકર્યો

બરોડા ડેરી એ જિલ્લાની મોટી સહકારી સંસ્થા છે અને તેના પર કબજો મેળવવા માટે દરેક રાજકીય પક્ષ મથામણ કરતો હોય છે. પરંતુ અહીં વિપક્ષ સામે લડવાને બદલે ભાજપના જ નેતાઓ સામસામે આવી જતાં આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપનું મોવડી મંડળ આ વિવાદ થાળે પાડવામાં સફળ રહે છે કે નહીં.

આ પણ વાંચો: Surat: કતારગામ સુમન શાળા વિવાદનો અંત, ધારાસભ્યની રજૂઆત બાદ TP-35માં જ શાળા બનાવવાનો પાલિકાનો નિર્ણય