પાદરા-મુજપુરને જોડતા અને મહીસાગર નદી પર આવેલા મહત્વના ગંભીરા બ્રિજની કામગીરી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ગત જુલાઈ મહિનામાં બ્રિજનો એક હિસ્સો તૂટી પડતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો સીધો સંપર્ક કપાઈ ગયો હતો. આ સમસ્યાના ઉકેલ માટે લાંબા સમયથી ચાલી રહેલી કામગીરીમાં હવે મોટી સફળતા મળી છે.
ધારાસભ્યએ લીધી મુલાકાત
પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આજે ગંભીરા બ્રિજની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓ સાથે ટેકનિકલ કામગીરીની સમીક્ષા કરી હતી અને કામની ગતિ વધારવા સૂચના આપી હતી. બ્રિજના P4 અને P5 પિલર વચ્ચે સ્ટીલનું મજબૂત માળખું સફળતાપૂર્વક ગોઠવી દેવામાં આવ્યું છે. આ સ્ટીલ સ્ટ્રક્ચર 'વિશ્વકર્મા મિકેનિકલ વર્ક્સ' દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.










