વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન રાખવામાં આવેલી બેદરકારીએ એક યુવકનો ભોગ લીધો છે. આ ઘટનાને પગલે મ્યુનિસિપલ કમિશનરે લાલ આંખ કરી છે અને ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરી છે.


માંજલપુરમાં બેદરકારીના કારણે યુવકે ગુમાવ્યો જીવ

માંજલપુર વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી. નિયમ મુજબ જ્યાં પણ ખોદકામ કરવામાં આવે ત્યાં આસપાસ બેરિકેડિંગ કરવું અને ચેતવણીના બોર્ડ લગાવવા અનિવાર્ય છે. જોકે, અહીં તંત્ર દ્વારા સુરક્ષાના કોઈ પણ પ્રકારના સાધનો મૂકવામાં આવ્યા નહોતા. અંધારામાં ખાડો ન દેખાતા એક યુવક તેમાં ખાબક્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અધિકારીઓ સામે આકરા પગલાં

યુવકના મોત બાદ લોકોમાં ફાટી નીકળેલા રોષ અને પ્રાથમિક તપાસમાં સામે આવેલી ક્ષતિઓને પગલે મ્યુનિસિપલ કમિશનરે નીચે મુજબના આદેશો આપ્યા છે. સાઇટ પર સીધી દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની જવાબદારી જેમના ફાળે હતી, તેવા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અતુલ ભલગામિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારી તરીકે મોનિટરિંગમાં નિષ્ફળ રહેવા બદલ નાયબ કાર્યપાલક ઈજનેર હરિકૃષ્ણ મનાનીને 'કારણ દર્શક' નોટિસ ફટકારવામાં આવી છે. તેમને પૂછવામાં આવ્યું છે કે તેમની સામે કેમ શિસ્તભંગના પગલાં ન લેવા જોઈએ?

તંત્રના ‘ઢાંકપિછાડા’ સામે રોષ

વડોદરામાં ડ્રેનેજ અને રોડ રસ્તાના કામોમાં બેદરકારીની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત કે આળસ સામાન્ય નાગરિકના જીવ પર જોખમ બની શકે છે. મ્યુનિસિપલ કમિશનરની આ કાર્યવાહીથી કોર્પોરેશનના અન્ય વિભાગોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જામતા શિયાળા વચ્ચે માવઠાની આફત, 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ વરસાદની આગાહી

  • Follow us on: