સંસ્કારી નગરી વડોદરામાં રફ્તારનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે મોડી રાત્રે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા નટુભાઈ સર્કલ બ્રિજ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક આલીશાન થાર (Thar) ગાડીના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સીધી ડિવાઈડર પર ચડી ગઈ હતી.
કાર ચાલક નશામાં ધૂત હોવાની ચર્ચા
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કારચાલક નશાની હાલતમાં હોય તેવું જણાઈ રહ્યું હતું. નશામાં ધૂત ચાલકે પૂરપાટ ઝડપે ગાડી હંકારીને બ્રિજ પરથી પસાર થતી વખતે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ગાડી ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીનો આગળનો ભાગ ડિવાઈડર પર ચડી ગયો હતો અને મોટો અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.
ચાલક અંધારાનો લાભ લઈ ફરાર
અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકો એકઠા થાય તે પહેલા જ કારચાલક પોતાની ગાડી મૂકીને અંધારાનો લાભ લઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. લોકોમાં એવી પણ ચર્ચા છે કે ચાલક પોલીસ પકડથી બચવા માટે જ ભાગી છૂટ્યો હતો, કારણ કે તે નશાની હાલતમાં હોવાની પ્રબળ શક્યતા હતી.
પોલીસ તપાસ અને કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ક્રેઈનની મદદથી ડિવાઈડર પર ચડી ગયેલી ગાડીને હટાવવાની કામગીરી કરી હતી. હાલમાં પોલીસે ગાડીના નંબરના આધારે તેના માલિક અને ચાલકની શોધખોળ શરૂ કરી છે. શહેરમાં રાત્રિના સમયે વધતા જતા આવા નશાખોર ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો: Surat: ડભોલીમાં લોકોની જનતારેડ બાદ પુરવઠા વિભાગ એક્શનમાં, સરકારી અનાજ સગેવગે કરતી દુકાન સીલ