રાજ્યના વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં મેઘરાજાએ અણધારી એન્ટ્રી કરી છે. દાહોદ, ભરૂચ અને વડોદરા પંથકમાં મોડી રાત્રે અને વહેલી સવારે પડેલા વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે.


 દાહોદ જિલ્લામાં માવઠું અને લગ્નસરાની ચિંતા

દાહોદના લીમડી, વરોડ, સંજેલી, નાનસલાઈ અને મીરાખેડી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. એક તરફ ખેતીના પાકને નુકસાનની ચિંતા છે, તો બીજી તરફ હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોવાથી ખુલ્લા મેદાનમાં આયોજિત પ્રસંગોમાં વરસાદે વિઘ્ન નાખતા આયોજકોની ચિંતામાં વધારો થયો છે.

અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વાતાવરણ પલટાયું

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું. હાંસોટના ઇલાવ, સાહોલ, બાલોતા, સુણેવ અને ઓભા જેવા ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ફેબ્રુઆરીના મધ્યમાં પડેલા આ વરસાદને કારણે લોકોએ એક જ દિવસમાં ઠંડી, ગરમી અને વરસાદ એમ ત્રણેય ઋતુઓનો મિશ્ર અનુભવ કર્યો હતો.

 વડોદરા અને વાઘોડિયામાં વરસાદી છાંટા

વડોદરા શહેર અને જિલ્લામાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાઘોડિયા અને શિનોર પંથકના અવાખલ, અચીસરા અને માલપુરમાં વહેલી સવારે વરસાદ શરૂ થયો હતો. અચાનક ત્રાટકેલા વરસાદને કારણે ખેતરમાં ઉભેલા પાકને લઈ ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.

આ પણ વાંચો: Ahmedabad: નવા વાડજમાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર, એક કાર પલટી ગઈ


  • Follow us on: