પૂરી–અમદાવાદ એક્સપ્રેસમાં ગેરકાયદે નશીલા પદાર્થોની હેરફેર કરવાનો મોટો પ્રયાસ રેલવે એસઓજીની ટીમે નિષ્ફળ બનાવ્યો હતો. ટ્રેનના કોચ નં. એસ-03ના શૌચાલયમાંથી પોલીસને ગિફ્ટ પેક કરાયેલા ગાંજાના કુલ 19.860 કિલોગ્રામ, બજાર કિંમત અંદાજે રૂ. 9.93 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો.


ટોયલેટમાં શંકાસ્પદ મોટો થેલો મળ્યો

રવિવાર વહેલી સવારે આશરે ચાર વાગ્યે મકરપુરા સ્ટેશન પાર કર્યા બાદ એસઓજીની ટીમે રૂટીન ચેકિંગ શરૂ કર્યું. ચેકિંગ દરમિયાન ટોયલેટમાં શંકાસ્પદ મોટો થેલો મળી આવતા તેની તપાસ કરતાં અંદર પ્લાસ્ટિક બેગમાં 2–2 કિલોના દસ પેકેટ મળી આવ્યા. કેટલાક પેકેટ ગિફ્ટ રેપિંગમાં પણ હતા જેથી ગંધ બહાર ન આવે.

રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો

પોલીસે તરત જ ટ્રેનમાં મુસાફરો અને સ્ટાફ પાસેથી પૂછપરછ કરી પરંતુ થેલો કોનો છે તેની કોઈ માહિતી મળી ન આવતા ગાંજાને બિનવારસી જથ્થો ગણાવી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.

ટ્રેનના ટોયલેટમાં છુપાવવાની નવી રીત

પોલીસ સૂત્રો અનુસાર, ગેંગોએ ગાંજાની ડિલિવરી માટે વિશેષ પદ્ધતિ અપનાવી હતી. ટોયલેટની ઉપર લગાડવામાં આવેલ સનમાઈકા (પ્લાય શીટ) કાઢીને તેનું ખાલી સ્થાન સ્ટોરેજની જેમ વપરાય છે. કોઈ વ્યક્તિ સનમાઈકા થોડું ખેંચે તો થેલો નીચે પડી જાય અને સનમાઈકા પણ તૂટી જાય — તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આ રીતથી ટ્રેનોના ટોયલેટને પણ નુકસાન થઈ રહ્યું છે.

 ગાંજાનો આ જથ્થો ઓડિશા સહિતના નક્સલપ્રભાવિત વિસ્તારોમાં ઉગાડવામાં આવ્યો

પોલીસને શંકા છે કે ગાંજાનો આ જથ્થો ઓડિશા સહિતના નક્સલપ્રભાવિત વિસ્તારોમાં ઉગાડવામાં આવ્યો હોય શકે છે. ગાંજાની ગંધ છુપાવવા પેકેટોને મશીનથી સીલ કરીને બહુસ્તરીય પ્લાસ્ટિક અને સેલોટેપ વડે પેક કરવામાં આવ્યા હતા. હાલ રેલવે પોલીસ તપાસને વધુ ઊંડાણથી આગળ ધપી રહી છે અને ગાંજાના મૂળ સપ્લાયર તથા ડિલિવરી નેટવર્ક સુધી પહોંચવા પ્રયત્નો ચાલી રહ્યા છે.

આ પણ વાંચો---  Gandhinagar : SLBC ની બેઠકમાં ડે.સીએમ હર્ષ સંઘવીએ સાયબર ફ્રોડના કેસમાં બેંકોની ઢીલી નીતિ સામે નારાજગી પ્રગટ કરી

  • Follow us on: