ડેટા એન્ટ્રીની આકર્ષક નોકરીની લાલચે સાવલી સહિત ગુજરાતના 100થી વધુ યુવકો મ્યાનમાર ગયા હતા.ત્યાં પહોંચ્યા બાદ તેમને જાણ થઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમને ડેટા એન્ટ્રીના બદલે લવ ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર સાયબર ગુનાઓ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.કંપનીના અત્યાચારથી કંટાળીને તક મળતા જ આ યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને હાલ મ્યાનમારના એક સેફ હાઉસમાં આશરો લઈ રહ્યા છે. બીજી તરફ વડોદરાના સાવલીનો એક યુવાન મ્યાનમારથી પરત ફર્યો છે.
મ્યાનમારની જેલમાં બંધક બનાવવામાં આવ્યા
મ્યાનમારમાં ફસાયેલો વડોદરાના સાવલીનો એક યુવાન ગુંજન શાહ વતન પરત ફર્યો છે. 117 ભારતીયો પરત ફર્યા છે જેમાં ગુંજન શાહનો પણ સમાવેશ થાય છે. ગુંજન શાહે સંદેશને જણાવ્યું હતું કે, અમને ડેટા એન્ટ્રી માટેની નોકરીની લાલચ આપી હતી. મહિને એક લાખ રૂપિયા સુધીનો પગાર ઓફર કરાયો હતો. અમારી એજન્ટ સાથે ઓનલાઈન વાત થઈ હતી. અમને થાઈલેન્ડમાં નોકરી માટેનું કહ્યું હતું. થાઈલેન્ડ બોર્ડર પરથી સીધા જ મ્યાનમારમાં ઘૂસાડવામાં આવ્યા હતાં.ત્યારબાદ મ્યાનમારની જેલમાં બંધક બનાવાયા હતાં. અમે પરત આવ્યા એ માટે ભારત સરકારનો અમે આભાર માનીએ છીએ. હજુ પણ ઘણા ભારતીયો ત્યાં ફસાયા છે. સરકાર તેમને પણ બચાવે તેવી અમારી અપીલ છે.













