વડોદરાની બરોડા ડેરીની આવનારી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા ઉમેદવાર કુલદિપસિંહ રાઉલજીએ ગંભીર આક્ષેપો કરીને સમગ્ર મામલો ચર્ચામાં લાવી દીધો છે.
હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહીં
કુલદીપસિંહ રાઉલજીએ જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ દબાણમાં આવવાના નથી અને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “હું ઝુક્યો નથી અને ઝુકીશ પણ નહીં.” તેમના આરોપ મુજબ તેમને અને તેમના પરિવારને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે.
ભાઇની બદલી કરી દેવાઇ
તેમણે આક્ષેપ કર્યો કે તેમના ભાઈ, જે ડેરીમાં નોકરી કરે છે, તેમની દૂર બદલી કરી દેવાઈ છે. ઉપરાંત તેમની સાથે જોડાયેલી મંડળી પર જ ઓડિટની નોટિસ આપવામાં આવી છે, જ્યારે અન્ય મંડળીઓને કોઈ નોટિસ આપવામાં આવી નથી. કુલદીપસિંહે સવાલ ઉઠાવ્યો કે માત્ર 9 મહિનામાં ઓડિટ કેવી રીતે થઈ શકે અને વર્ષ પૂર્ણ થયા વગર ઓડિટ કેમ કરવામાં આવી રહી છે.
ઓડિટ પહેલા કોઈ નોટિસ આપવામાં આવી નહોતી
તેમણે વધુમાં જણાવ્યું કે ઓડિટ પહેલા કોઈ નોટિસ આપવામાં આવી નહોતી અને છેલ્લા ત્રણ દિવસમાં ચાર ઓર્ડર નોટિસ આપવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને તેમને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
પેટ્રોલ પંપ પર ડ્રોન ઉડાવીને નજર રાખવામાં આવી રહી છે
કુલદીપસિંહે દાવો કર્યો કે તેમના પેટ્રોલ પંપ પર ડ્રોન ઉડાવીને નજર રાખવામાં આવી રહી છે અને ધારાસભ્યના એક વ્યક્તિને અમે પકડી પણ લીધો હતો.
ખેલદિલીથી ચૂંટણી લડો તો ખબર પડે
તેમણે કહ્યું કે જો ખેલદિલીથી ચૂંટણી લડવામાં આવે તો સાચી સ્થિતિ બહાર આવશે. “લોકશાહીની હત્યા ન થવી જોઈએ, મારા મતદારો મારી સાથે છે અને હું મારા મતદારો સાથે છું,” એમ કહી તેમણે પોતાની લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
આ પણ વાંચો---- Rajkot એઈમ્સમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત