વડોદરા શહેરની 65 વર્ષીય સિનિયર સિટીઝન મહિલાની સાથે નકલી પોલીસ અધિકારીઓ બનીને સાયબર ઠગોએ 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ જેવી દલીલ સાથે છેતરપિંડી કરી છે. ઠગોએ મહિલાની બેંક ખાતાઓમાંથી કુલ રૂ. 1 કરોડ 82 લાખ 66 હજારની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી.


પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ રાવ સાથે વાત કરાવવામાં આવી


પીડિતાની ફરિયાદ મુજબ, ગત 4 ડિસેમ્બરના રોજ સવારે આશરે 11 વાગ્યે મહિલાને એક ફોન આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું છે અને તેના પર 39 કેસ નોંધાયા છે. ત્યારબાદ તેમને મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના નામે પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ રાવ સાથે વાત કરાવવામાં આવી.

 નકલી આઈડી કાર્ડ તથા સુપ્રીમ કોર્ટની નોટિસ મોકલી


ઠગોએ વોટ્સએપ વીડિયો કોલ દ્વારા પોલીસ યુનિફોર્મ પહેરીને અને પોલીસ ઓફિસના લોગો દર્શાવ્યા. તેઓએ મહિલાનું આધાર કાર્ડ માંગ્યું અને નકલી આઈડી કાર્ડ તથા સુપ્રીમ કોર્ટની નોટિસ મોકલી, જે જોઈને મહિલામાં ભય પેદા થયો.

સિમકાર્ડ આતંકવાદી ઓ.એમ. સાલમના કેસમાં વપરાયું છે


તેઓએ મહિલાને ઘરમાં જ એરેસ્ટ કરવામાં આવવાનું જણાવ્યું અને રોજ સવારે મેસેજ કરવાનો આદેશ આપ્યો. 8 ડિસેમ્બર સુધી, ઠગોએ મહિલાને કહ્યું કે, તેના નામે લેવાયેલું સિમકાર્ડ આતંકવાદી ઓ.એમ. સાલમના કેસમાં વપરાયું છે અને રૂ. 243 કરોડના મની લોન્ડરિંગમાં જોડાયેલું છે. બેંક સ્ટેટમેન્ટ મોકલી, મ્યુચ્યુઅલ ફંડ, એફડી અને અન્ય રોકાણોની વિગતો મંગાવી અને પૈસા આરબીઆઈ ખાતામાં જમા કરાવવા કહીને છૂટકારો આપવાની ધમકી આપી.

1 કરોડ 82 લાખ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરાવી


11 થી 16 ડિસેમ્બરના દરમિયાન, અલગ-અલગ તારીખે પીડિતાના બેંક ખાતાઓમાંથી રૂ. 1 કરોડ 82 લાખ 66 હજાર ટ્રાન્સફર કરાવી. દરેક ટ્રાન્સફર પછીની રસીદ ઠગોએ વોટ્સએપ પર મોકલી વિશ્વાસ જીત્યો

ફિક્સડ ડિપોઝિટ તોડાવવા માટે દબાણ કર્યું ત્યારે મહિલાને શંકા થઈ


પરંતુ, 18 ડિસેમ્બરે ફિક્સડ ડિપોઝિટ તોડાવવા માટે દબાણ કર્યું ત્યારે મહિલાને શંકા થઈ અને પરિવારજનોને વાત કરી, પછી સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસ હાલ તપાસમાં લાગી છે.

  • Follow us on: