વડોદરા જિલ્લામાં ડેસરના વિદ્યાર્થી સચીનકુમાર રમેશભાઈ ઉર્ફે બાબુભાઈ ભેદીએ ઑનલાઈન પાર્ટ-ટાઈમ જોબની લાલચમાં છેતરાઈ રૂ. 45,000 ગુમાવ્યા છે. આ કેસમાં અજાણ્યા ઠગોએ વ્હોટ્સએપ અને ટેલિગ્રામ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને છેતર્યો હોવાનું સામે આવ્યું છે.
કેસની વિગતો
શરૂઆતમાં વિદ્યાર્થીના વ્હોટ્સએપ પર અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં વ્યક્તિએ પોતાને ડેમ્કો ગ્રુપ ડિજિટલ માર્કેટિંગ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી પાર્ટ-ટાઈમ જોબની ઓફર આપી હતી. શરત મુજબ, વિદ્યાર્થીએ રોકાણ કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને ટાસ્ક પૂર્ણ કરવાના હતા.
પેમેન્ટ માટે ‘લીલા નેન્સી’ નામની લિંક આપવામાં આવી
ચેનલમાં વિવિધ રકમના ટાસ્ક અને કોડ આપવામાં આવતા હતા. મેમ્બર્સ પોતાના કોડ આપી ગ્રુપમાં જોડાતા અને ટાસ્ક પૂર્ણ કરતા હતા. પેમેન્ટ માટે ‘લીલા નેન્સી’ નામની લિંક આપવામાં આવી, જેના માધ્યમથી UPI ID પર ટ્રાન્ઝેક્શન કરવું અને બેંક વિગતો પૂરી પાડવી હતી.
યુવકે 45 હજાર ચુકવ્યા
યુવકને પ્રથમ તબક્કામાં 1,000થી 1,300ના નફાની લાલચ આપવામાં આવી અને પછી 1,800ની વધુ લાલચ આપી વધુ રકમ વસૂલી. વિદ્યાર્થીે એક બાદ એક ટ્રાન્ઝેક્શન કરીને કુલ 45,000 રૂપિયા ચૂકવી દીધા, પરંતુ બાદમાં કોઈ નફો કે રિફંડ પ્રાપ્ત થયું ન હતું
ફરિયાદ નોંધાઈ
વિદ્યાર્થીએ ત્યારબાદ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરીને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ડેસર પોલીસ મથકમાં પણ અરજી નોંધાઈ, અને તપાસ ચાલી રહી છે. આવી સ્કીમો સામાન્ય રીતે ટેલિગ્રામ અને વ્હોટ્સએપ પર સ્કેમર્સ દ્વારા ચલાવવામાં આવે છે, જે નાના રોકાણ પર નફો બતાવી વિશ્વાસ જીત્યા પછી મોટી રકમ લૂંટી લે છે.
આ પણ વાંચો --- Vadgam : દારુ અને ડ્રગ્સ મુદ્દે વિપક્ષ પર વરસ્યા DyCM હર્ષ સંઘવી, વાંચો શું કહ્યું