સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર અને રાજ્યભરમાં જેની ચર્ચા થઈ હતી તેવા હિના પેથાણી હત્યા કેસમાં વડોદરા કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે પત્નીની હત્યા કરી લાશ કબાટમાં સંતાડનાર અને પોતાના જ પુત્રને ત્યજી દેનાર પાખંડી આરોપી સચિન દીક્ષિતને આજીવન કેદની સજા ફટકારી છે.

હિના પેથાણી હત્યા કેસમાં ચુકાદો 

આશરે ચાર વર્ષ પહેલાં બનેલી આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી હતી. આરોપી સચિન દીક્ષિતે તેની પત્ની (લિવ-ઈન પાર્ટનર) હિના પેથાણીની કરૂણ હત્યા કરી હતી. હત્યા બાદ તેણે પુરાવાનો નાશ કરવા માટે હિનાના મૃતદેહને ઘરના કબાટમાં સંતાડી દીધો હતો. આટલું જ નહીં, તેના પાપનો ઘડો ત્યારે ભરાયો જ્યારે તે પોતાના જ માસૂમ પુત્ર શિવાંશને ગાંધીનગરની એક ગૌશાળા પાસે ત્યજીને ફરાર થઈ ગયો હતો.

પોલીસ તપાસ અને કોર્ટ કાર્યવાહી

શિવાંશ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે રાજ્યવ્યાપી તપાસ હાથ ધરી હતી, જેના અંતે સચિન દીક્ષિતના કાળા કરતૂતોનો પર્દાફાશ થયો હતો. વડોદરા પોલીસે મજબૂત પુરાવાઓ અને સાક્ષીઓના આધારે કેસ રજૂ કર્યો હતો. કોર્ટે તમામ પાસાઓની ગંભીરતાથી નોંધ લેતા અવલોકન કર્યું હતું કે આરોપીએ અત્યંત ક્રૂરતાપૂર્વક આ કૃત્ય આચર્યું છે.

ઐતિહાસિક ચુકાદો

વડોદરાની સેશન્સ કોર્ટે આજે આ કેસમાં અંતિમ સુનાવણી કરી સચિન દીક્ષિતને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ચુકાદાને પગલે મૃતક હિનાના પરિવાર અને માસૂમ શિવાંશને ન્યાય મળ્યો હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા અને વડોદરાવાસીઓમાં આ ચુકાદાને આવકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Sabarrkantha: રસુલપુર પાસે નેશનલ હાઈવે 48 પર ચાલુ કારમાં ભીષણ આગ, કાર બળીને ખાખ થઈ