વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના કલાલી વિસ્તારમાં એક યુવકની ચપ્પાના ઉપરાઉપરી ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ લોહિયાળ ખેલને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘાતક હુમલો જૂની અને અંગત અદાવત રાખીને કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.


હુમલાખોરોએ તેને રસ્તામાં આંતર્યો

મળતી વિગતો મુજબ, મૃતક યુવકની ઓળખ ગિરીશ ભાલીયા તરીકે થઈ છે. ગિરીશ મોડી રાત્રે એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપીને પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન કલાલી વિસ્તારમાં અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા હુમલાખોરોએ તેને રસ્તામાં આંતર્યો હતો. કંઈ પણ સમજાય તે પહેલાં જ હુમલાખોરોએ ગિરીશ પર તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ હુમલો કરી દીધો હતો. ગિરીશના શરીર પર ચપ્પાના અસંખ્ય ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

હુમલાખોરોની શોધખોળ તેજ

ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેર પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ હત્યા પાછળ ચોક્કસ અંગત અદાવત જવાબદાર છે. હત્યાની આ ઘટનાને અંજામ આપીને હુમલાખોરો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા છે. પોલીસે કલાલી અને તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવીને તેમજ બાતમીદારોને સક્રિય કરીને ફરાર હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો----     Gujarat Latest News LIVE : બાંગ્લાદેશી પર કાર્યવાહી મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, એક પણ ઘૂસણખોરને નહીં રહેવા દેવામાં આવે

  • Follow us on: