વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) એ છાણી રોડ પર ભારત પેટ્રોલ પંપની સામે આવેલા ટેમ્પો–ટ્રક પાર્કિંગના ખુલ્લા મેદાનમાં રાત્રિ દરમિયાન રેડ કરતાં હેરોઇનનો જથ્થો વેચતા શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 2.26 લાખ કિંમતનું હેરોઇન અને અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. 2.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
'બોબી સરદાર' ઝડપાયો, સાગરીત ફરાર
એસ.ઓ.જી.ને માહિતી મળી હતી કે છાણી ગામનો હરજીન્દરસિંહ ઉર્ફે બોબી સરદાર દરરોજ આ સ્થળે ટ્રક ડ્રાઇવરોને હેરોઇનની પડીકીઓ વેચે છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડા અને ટીમે તરત જ કાર્યવાહી કરી.
2,34,700નો મુદ્દામાલ જપ્ત
રેડ દરમિયાન હરજીન્દરસિંહ ઉર્ફે બોબી સરદાર પાસેથી 11.320 ગ્રામ હેરોઇન (કિંમત રૂ. 2.26 લાખ), એક મોબાઇલ ફોન તથા ડ્રગ વેચાણની રોકડ રકમ મળી કુલ રૂ. 2,34,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હરજીન્દરસિંહને ઝડપવામાં આવ્યો છે, જ્યારે તેનો સાગરીત ગરદયાલસિંહ હાલમાં ફરાર છે.
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આરોપી હરજીન્દરસિંહ ઉર્ફે બોબી સરદાર (રહે: રુદ્રા એન્ક્લેવ, છાણી — મૂળ વતન: અમૃતસર, પંજાબ) સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરાર આરોપી ગરદયાલસિંહ (રહે: જહાજગઢ, અમૃતસર)ની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
વડોદરામાં નશામુક્તિ અભિયાન : જાન્યુઆરી–2025થી અત્યાર સુધી 65 ધરપકડ
વડોદરા પોલીસ કમિશનરની સૂચનાઓ પ્રમાણે ચાલી રહેલા નશામુક્તિ અભિયાન દરમ્યાન છેલ્લા 28 દિવસમાં NDPS હેઠળ 21 કેસ નોંધાયાછે અને 44.10 લાખથી વધુનો માલ જપ્ત કરીને 25 આરોપીઓની ધરપકડ કરાઇ છે
2025માં અત્યાર સુધીમાં 40 કેસ નોંધાયા
જ્યારે વર્ષ 2025માં અત્યાર સુધીમાં 40 કેસ નોંધાયા અને 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તો 65 આરોપીઓ સામે કાર્યવાહી કરાઇ છે. આ આંકડાઓ વડોદરા શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલી કડક કામગીરીને દર્શાવે છે.
આ પણ વાંચો--- IndiGo Crisis: IndiGo વિરુદ્ધ DGCAનો મોટો નિર્ણય, ફ્લાઇટ શિડ્યુલમાં કર્યો 5 ટકાનો ઘટાડો