વડોદરાના સરસિયા તળાવ અને મગર સ્વામી આશ્રમ પાસેના સરકારી બિન-નંબરી સર્વે વિસ્તારમાં જિલ્લા કલેક્ટરની સૂચનાથી આજે વહેલી સવારથી જંગી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સીટી પ્રાંત અધિકારી બી. એસ. સાંબળ અને સંયુક્ત પોલીસ કમિશનર ડો.લીના પાટીલની સીધી દેખરેખ હેઠળ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.


1995થી ચાલતો વિવાદ ઉકેલાયો

પ્રાંત અધિકારી બી. એસ. સાંબળના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં દબાણ હટાવવાની પ્રક્રિયા વર્ષ 1995થી પેન્ડિંગ હતી. આશરે 38 થી 40 જેટલા કોમર્શિયલ યુનિટોએ સરકારી જમીન પર કબ્જો જમાવ્યો હતો. આજે પાલિકાની દબાણ શાખાની ટીમે બફર ઝોનમાં આવેલા કાચા-પાકા શેડ અને ઝૂંપડાં સહિત 50% થી વધુ કોમર્શિયલ દબાણો દૂર કરી દીધા છે.

ચુસ્ત પોલીસ છાવણીમાં ડિમોલિશન

દબાણ હટાવવા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી હતી. જોઈન્ટ સીપી ડો. લીના પાટીલના નેતૃત્વમાં 2 ડીસીપી અને 5 એસીપી તૈનાત રહ્યા. વિવિધ પોલીસ સ્ટેશનના પી.આઈ અને પોલીસ જવાનોનો કાફલો હાજર રહ્યો. વધારાની સુરક્ષા માટે એસઆરપીની ટુકડીઓ પણ ઉતારવામાં આવી હતી.

રેવન્યુ વિભાગ અને કોર્પોરેશનની સંયુક્ત કામગીરી

રેવન્યુ વિભાગ અને કોર્પોરેશનની સંયુક્ત કામગીરીથી વર્ષો જૂના આ દબાણો દૂર થતા હવે સરકારી જમીનનો માર્ગ મોકળો થયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે સરકારી મિલકત પરના કોઈ પણ ગેરકાયદેસર બાંધકામને ચલાવી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ Surat : ખંડણી કેસમાં આપનેતા શ્રવણ જોશી અને સંપત ચૌધરી પર જેલમાંથી છૂટતાની સાથે જ પાસા લગાવી જેલભેગા કર્યા


  • Follow us on: