વડોદરા શહેરમાં લુખ્ખા તત્ત્વોનો આતંક સતત વધી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. આવામાં માથાભારે તત્ત્વો દ્વારા વીજ કર્મીઓને માર મારવામાં હોવાની ઘટના પાણીગેટ વિસ્તારમાંથી સામે આવી છે. જ્યાં લાઈટ બિલ ન ભરવાને કારણે વીજ કંપનીના કર્મચારીઓ વીજ કનેક્શન કાપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન વીજ ગ્રાહકો દ્વારા વીજ કંપનીના કર્મચારીઓને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

વીજ કંપનીના કર્મચારીઓને માર મારવામાં આવ્યો

ઘટનાની મળતી વિગતો અનુસાર, વડોદરા શહેરમાં આવેલા પાણીગેટ વિસ્તારમાં વીજ કંપનીના કર્મચારીઓ લાઈટ બિલ ન ભરતા હોય તેવા ગ્રાહકો સામે કડક કાર્યવાહીના ભાગ રૂપે કનેક્શન કાપવા પહોંચ્યા હતા. આ દરમિયાન વીજ ગ્રાહકો દ્વારા વીજ કંપનીના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રાહકો પટ્ટા અને ગડદા પાટું દ્વારા વીજ કંપનીના કર્મચારીઓને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડિયો પણ વાયરલ થયે છે. આ અંગે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા પાણીગેટ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વીજ કર્મચારીઓમાં ભયનો માહોલ

વીજ કંપની કર્મચારીઓને પાણીગેટ બાવામાનપુરા વિસ્તારમાં મારવાની ઘટનાને કારણે વીજ કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વીજ બિલ બાકી હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ લાઈન કટ કરવા ગયા હતા. જે દરમિયાન પ્રવીણ ભોઈ અને જતીન નામના વીજ કંપનીના કર્મચારી પર હુમલો થયો હતો.આ મામલે વીજકર્મીઓએ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.


આ પણ વાંચો - રાજ્યમાં IT વિભાગનું મોટું સર્ચ ઓપરેશન, 10 શહેરોમાં 38 સ્થળો પર રેડ