સામાજિક ઉત્કર્ષ માટે આવી સુવિધા ઊભી કરવાની પહેલની સરાહના કરતા તેમને કહ્યું કે સમાજના સહયોગથી શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ માટે ઊભી થતી આવી સુવિધાઓ રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સરકાર અને સમાજના સહયોગથી સર્વસમાવેશક, શિક્ષિત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ગુજરાત દ્વારા વિકસિત ભારતનું નિર્માણ થશે
શાળા પ્રવેશોત્સવ દ્વારા કન્યા શિક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ મળ્યું છે
પટેલે ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલ અને વર્કિંગ વુમેન હોસ્ટેલને સમાજમાં સકારાત્મક પરિવર્તન અને મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દ્વારા કન્યા શિક્ષણને જનઆંદોલનનું સ્વરૂપ મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ “જે કહીએ તે કરીએ”ના કાર્યમંત્રને સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજે સમયબદ્ધ આયોજન દ્વારા ચરિતાર્થ કર્યો છે, જે માટે સમગ્ર સમાજ અભિનંદનને પાત્ર છે. તેમણે જણાવ્યું હતું કે લેઉવા પટેલ સમાજે પરંપરાગત રીતે મહેનત, ઈમાનદારી અને રાષ્ટ્રપ્રેમને જીવનમૂલ્ય તરીકે સ્વીકાર્યા છે. તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોનું વ્યાપક નેટવર્ક વિકસિત થયું છે
મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે ૨૦૦૧ પૂર્વે રાજ્યમાં મેડિકલ સીટોની સંખ્યા મર્યાદિત હતી, જ્યારે આજે જિલ્લાદીઠ મેડિકલ કોલેજના આયોજનથી દર વર્ષે 7,000થી વધુ ડોક્ટરો તૈયાર થઈ રહ્યા છે. તે જ રીતે વિજ્ઞાન પ્રવાહની શાળાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આરોગ્ય ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વાંગી અભિગમ હેઠળ રાજ્યમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોનું વ્યાપક નેટવર્ક વિકસિત થયું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડોદરા જેવી સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સાહિત્યની નગરીમાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત મહિલાઓ માટે આવાસ તથા આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાનો સમાજનો પ્રયાસ પ્રશંસનીય છે. સમાજના શ્રેષ્ઠીઓના દાન અને સહયોગથી નિર્માણ થયેલી આ સુવિધાઓ જરૂરિયાતમંદોને આધાર આપશે અને સામાજિક સમરસતાને મજબૂત બનાવશે.
સામાજિક સહયોગની દિશામાં સૌરાષ્ટ્ર સેવા લેઉવા પટેલ સમાજ અગ્રેસર રહેશે
તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સેવા લેઉવા પટેલ સમાજ દ્વારા સ્થાપિત મેડિકલ અને ફિઝિયોથેરાપી સેન્ટરથી લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે. પાટીદાર સમાજે જ્યાં જ્યાં વસવાટ કર્યો છે ત્યાં પોતાની સંસ્કૃતિ, ભાષા અને સામાજિક મૂલ્યોને જાળવી રાખી સરકાર સાથે ખભે ખભા મિલાવી વિકાસયાત્રાને આગળ ધપાવી છે. મુખ્યમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ‘વિકસિત ભારત–2047’ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. સામાજિક સહયોગની દિશામાં સૌરાષ્ટ્ર સેવા લેઉવા પટેલ સમાજ અગ્રેસર રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
આ બંને છાત્રાલયોને અનુસરી સમાજભવન પરિસરમાં પૂરતી પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે
કન્યા છાત્રાલય તથા વર્કિંગ વુમન હોસ્ટેલમાં ગર્લ્સ અને વર્કિંગ વુમનને મળીને કુલ ૧૭૫ દીકરીઓ/મહિલાઓને નિવાસની સગવડ ઉપલબ્ધ થાય તે હેતુથી ૪૬ આરામદાયક રૂમો તથા તેને સંલગ્ન અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી લાઈબ્રેરી/રીડીંગ રૂમ, જીમ તથા રીક્રીએશન હોલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રહેવાસીઓને પોષણયુક્ત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે મેસની સુવ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા વર્ષ ૨૦૦૯થી કાર્યરત કુમાર છાત્રાલયનું વ્યાપક નવીનીકરણ કરવામાં આવ્યું છે. તેમજ વધતી આવશ્યકતાઓને ધ્યાનમાં રાખી ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓને સમાવી શકાય તે હેતુસર નવું કુમાર છાત્રાલય પણ નિર્માણ કરવામાં આવ્યું છે. પરિણામે હવે કુલ ૧૭૫ દીકરાઓનેનિવાસ આપવાની ક્ષમતા ધરાવતા ૪૨ આરામદાયક રૂમો, તેમજ તેને સંલગ્ન અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. અહીં પણ લાઈબ્રેરી/રીડીંગ રૂમ, જીમ, રીક્રીએશન હોલ તથા મેસની સુવિધા સુસજ્જ રીતે ઉપલબ્ધ છે. આ બંને છાત્રાલયોને અનુસરી સમાજભવન પરિસરમાં પૂરતી પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
2.21 કરોડના દાતા પરસોતમભાઈ ગેવરીયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું
આ પ્રોજેક્ટને મૂર્તિમંત બનાવવા માટે કન્યા છાત્રાલય તથા વર્કિંગ વુમન હોસ્ટેલના નામકરણ દાતા કે. કે. વિઠાણી પરિવાર (ફામસન ગ્રુપ) તરફથી રૂ. ૩.૦ કરોડનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. તેમજ કુમાર છાત્રાલયના નામકરણ દાતાશ્રી પરશોત્તમભાઈ એન. ગેવરીયા, અમદાવાદ તરફથી રૂ. ૨.૨૧ કરોડનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. ઉપરાંત અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઈ સહિત વિવિધ શહેરોમાં સ્થિત લેઉવા પટેલ સમાજના દાતાશ્રીઓ તથા વડોદરા સ્થિત સભ્ય દાતાશ્રીઓ તરફથી પણ નોંધપાત્ર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.પ્રાસંગિક પ્રવચન કાનજીભાઈ ભાલાળાએ કર્યું હતું અને સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ વડોદરાના પ્રમુખ પી.પી. કાનાણી દ્વારા પ્રવૃત્તિની રૂપરેખા આપવામાં આવી હતી. ૨૫ લાખ, ૫૧ લાખ અને એક કરોડ અને તેનાથી વધારે દાન કરનારાઓના સન્માન કરવામાં આવ્યા હતા. ૨.૨૧ કરોડના દાતા પરસોતમભાઈ ગેવરીયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
દાતા અશ્વિનભાઇ ગોળવીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં મેયર પિન્કીબેન સોની, સાંસદ હેમાંગભાઈ જોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલ ભાઈ મિસ્ત્રી, સમાજના આગેવાનો, રાજકોટના સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા, કિરણ હોસ્પિટલના પદ્મશ્રી મથુરભાઈ સવાણી, રવજીભાઈ વસાણી ગોરધનભાઇ ઝડફિયા, સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા, પટેલ સમાજના મગનભાઈ રામાણી અમદાવાદ, કેયુર ભાઈ રોકડિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, અમીલાઇફના ગિરીશભાઈ ચોવટિયા, સૌથી મોટા પરસોતમભાઈ ગેવરીયા છાત્રાલય નામકરણ દાતા, ઉપરાંત ડો જયપ્રકાશ સોની, જીગ્નેશભાઈ વસોયા. દાતા અશ્વિનભાઇ ગોળવીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Kutch News : કચ્છના કંડલા પોર્ટે રચ્યો ઇતિહાસ, ચાલુ નાણાંકીય વર્ષમાં 125 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કર્યું