તાજેતરમાં જ મુખ્યમંત્રીએ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં અધિકારીઓને સૂચના આપી હતી કે, જાહેર કામોમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. સરકાર ભ્રષ્ટાચાર બાબતે ઝીરો ટોલરન્સની નીતિમા માને છે. ત્યારે વડોદરામાં 48 કલાક પહેલા બનેલા રોડના કામમાં ગેરરીતિ સામે આવી છે. 48 કલાક પહેલા બનેલો રોડ તૂટી જતાં અનેક સવાલો ઉભા થયાં છે. નવાયાર્ડના સરસ્વતીનગરમાં બનાવેલા રોડ પર હાથથી જ રોડ ઉખડી રહ્યો છે.
આ રોડ બન્યાને હજી 48 કલાક નથી થયાં
વડોદરામાં નવાયાર્ડના સરસ્વતીનગરમાં ચૂંટણી ટાણે જ તંત્ર દ્વારા 30 વર્ષ બાદ રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડ બન્યાને હજી 48 કલાક નથી થયાં ત્યાં તેની કાંકરીઓ હાથથી ઉખડવા માંડી છે. સ્થાનિકોનું કહેવું છે કે, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મુખ્યમંત્રીના આદેશને ઘોળીને પી ગયાં છે. ભ્રષ્ટાચાર આચરવામાં આ લોકો સૌથી મોખરે છે. આ અંગે બ્રિજ શાખાના કાર્યપાલક ઈજનેરે કહ્યું હતું કે, બાજવાનો બ્રિજ અમે નથી બનાવ્યો તેને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ વિસ્તાર કોર્પોરેશનમાં સમાવિષ્ટ નથી. રોડની ગુણવત્તા તપાસ્યા બાદ કોન્ટ્રાક્ટર ડી.બી.પટેલ સામે કાર્યવાહી કરાશે.
