વડોદરાના અંકોડિયા ગામની સીમમાં થોડા દિવસો પહેલાં એક અજાણી મહિલાની હત્યા કરાયેલી હલતમાં મૃતદેહ મળી આવવાના ચકચારભર્યા કેસનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. આ મામલામાં જે સત્ય બહાર આવ્યું છે, તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતક મહિલાની સગી બહેને જ વીમાની રકમના લોભમાં આવીને તેની હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું છે.

ગણતરીના દિવસોમાં જ બે આરોપીઓને ઝડપી લીધા

મૃતક મહિલા ગોરવા વિસ્તારની અઝીઝાબાનુ હોવાનું સામે આવ્યું છે. વડોદરા ગ્રામ્ય પોલીસ, એલસીબી, એસઓજી અને તાલુકા પોલીસની સંયુક્ત ટીમે 'ઓપરેશન પરાક્રમ' હેઠળ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના દિવસોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે મૃતકની બહેન ફિરોઝા દીવાન (ફિરોજાબાનુ) અને તેના સાથી રમીઝ શેખ (રમીઝ રાજા)ની ધરપકડ કરી છે. કડક પૂછપરછમાં રમીઝ રાજાએ શરૂઆતમાં કબૂલાત ન હતી કરી, પરંતુ બાદમાં તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.

 દુપટ્ટાથી ગળું દબાવીને કરી હતી હત્યા

ઘટનાની માહિતી અનુસાર, ફિરોઝા દીવાને પોતાની બહેન અઝીઝાબાનુના નામે 40 લાખ રૂપિયાનો વીમો લીધો હતો. આ વીમાની રકમના લોભમાં ફિરોઝાએ રમીઝ શેખ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. કાવતરા મુજબ, રમીઝ શેખ મૃતક અઝીઝાબાનુને ટુ-વ્હીલર પર અંકોડિયા ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં દુપટ્ટાથી ગળું દબાવીને તેની હત્યા કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Vadodara News: અંકોડીયા ગામની સીમમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, પોલીસે શરૂ કરી તપાસ