વડોદરા જિલ્લામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. જે કારણે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ યુવતીનો મૃતદેહ વડોદરા જિલ્લાના અંકોડીયા ગામની સીમમાં અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ આ મામલે વડોદરા તાલુકા પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસે લોકેશન બેરીકેટ કરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લામાં આવેલા અંકોડીયા ગામની સીમમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ યુવતીની ઉંમર 22થી 25 વર્ષ હોવાનો અંદાજ છે. આ મૃતદેહ મળી આવતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે લોકેશન બેરીકેટ કરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. આ યુવતીએ આત્મહત્યા કરી છે કે, તેની હત્યા કરવામાં આવી છે, તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
