વડોદરા SOG પોલીસે 27 લાખ રૂપિયાના ગાંજાના કેસમાં મુખ્ય સપ્લાયર આરોપીને ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે. વડોદરાથી અંદાજે 1600 કિલોમીટર દૂર છત્તીસગઢના નક્સલવાદી પ્રભાવિત વિસ્તારમાં આવેલા જંગલોમાં જીવના જોખમે જઈ SOG પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. ધરપકડ બાદ આરોપીને વડોદરા લાવવામાં આવ્યો છે

બિનવારસી ટ્રકમાંથી ગાંજો મળી આવ્યો હતો

આ સમગ્ર કેસની શરૂઆત ગત તા. 22 એપ્રિલ 2025ના રોજ થઈ હતી, જ્યારે હરણી પોલીસ સ્ટેશનની ટીમે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી કમ્ફર્ટ ઈન હોટેલ નજીક રેડ કરી હતી. રેડ દરમિયાન એક બિનવારસી ટ્રક મળી આવ્યો હતો. ટ્રકની ઝડતી લેતા કેબિન પાછળ બનાવેલા ગુપ્ત ખાનામાંથી 45 પેકેટમાં ભરેલો 270 કિલો 50 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. હરણી પોલીસે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધી 27 લાખ રૂપિયાની કિંમતનો કુલ 279 કિલો 50 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે ટ્રક સહિત કુલ રૂ. 35.05 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

અગાઉ 2 આરોપી ઝડપાયા હતા

તપાસના પગલે બાલોતરા (રાજસ્થાન) ખાતેથી આરોપી સુરતાનખાન ઉર્ફે નીનિયા અમીનખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ગાંજાનો ભરાવનાર આરોપી પુખરાજ રામપ્રતાપ બિશ્નોઇ (રહે. હેમનગર, જોધપુર)ને રાજસ્થાનમાંથી પકડી 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

મુખ્ય સપ્લાયરની ભાળ મળી

આ તપાસ દરમિયાન SOG એ રિમાન્ડ હેઠળના આરોપીની પૂછપરછ કરી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે મુખ્ય સપ્લાયર રમેશ પેમારામ ડારા (બિશ્નોઇ) છત્તીસગઢના ધમતરી જિલ્લામાં આવેલા નક્સલ પ્રભાવિત કલ્લેમેટા ગામના જંગલ વિસ્તારમાં છુપાયેલો હોવાનું ખુલ્યું હતું.

નક્સલી વિસ્તારમાં 50 કિલોમીટર સુધી જંગલમાં શોધખોળ

SOG પોલીસની ટીમે નક્સલી વિસ્તારમાં 50 કિલોમીટર સુધી જંગલમાં શોધખોળ કરી હતી. PSI આર.એન. સીસોદીયા અને તેમની ટીમ અડધો કિલોમીટર સુધી પગપાળા ચાલીને ખેતર સુધી પહોંચી હતી, જ્યાં આરોપી રમેશ પેમારામ ડારા ટ્રેક્ટર ચલાવતા મળી આવ્યો હતો. ત્યાંથી તેને ઝડપી લઈ વડોદરા લાવવામાં આવ્યો છે.


આ પણ વાંચો-----   Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે