વડોદરામાં સનસનાટી મચાવનાર લૂંટના ગુનાનો વડોદરા ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. વારશિયા વિસ્તારમાં ગિફ્ટ શોપના વેપારીની આંખમાં મરચું નાખીને લાખોની લૂંટ ચલાવનાર ગેંગના સાત સાગરીતોને પોલીસે દબોચી લીધા છે.
આંખમાં મરચું નાખીને લાખોની લૂંટ ચલાવનાર ગેંગ
વડોદરા ક્રાઈમ બ્રાંચે આ મામલે સઘન તપાસ હાથ ધરી મુખ્ય આરોપી સનાભાઈ વાઘેલા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાની ગંભીરતા જોતા DCP ક્રાઈમ હિમાંશુ વર્માએ વિગતો આપતા જણાવ્યું હતું કે, લૂંટની ઘટના બની ત્યારે જ સ્થાનિક પોલીસે રાહુલ મારવાડીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય આરોપી હિરેન વસાવાને ક્રાઈમ બ્રાંચે તે જ દિવસે મોડી રાત્રે દબોચી લીધો હતો.
2 કરોડથી વધુનો મુદ્દામાલ અને 20 દેશોની કરન્સી
આ લૂંટમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આરોપીઓ પાસેથી માત્ર લૂંટની રકમ જ નહીં, પરંતુ 20 જેટલા વિવિધ દેશોનું વિદેશી ચલણ પણ મળી આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથીફરિયાદીના લૂંટાયેલા 10 લાખ રૂપિયા.20 દેશોની વિદેશી કરન્સી.કુલ 2 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસનો ધમધમાટ
આરોપીઓ જે-તે વેપારીની હિલચાલ પર નજર રાખતા હતા અને પ્લાન મુજબ આંખમાં મરચું નાખી લૂંટને અંજામ આપતા હતા. જોકે, આટલી મોટી માત્રામાં વિદેશી ચલણ આરોપીઓ પાસે ક્યાંથી આવ્યું અને શું તેઓ અગાઉ પણ આવી મોટી લૂંટમાં સામેલ હતા, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: કોસંબાના પાલોડમાં બોગસ ડોક્ટર ઝડપાયો, એસ.ઓ.જી.ની ટીમે પાડ્યા દરોડા