વડોદરા એલસીબીએ તાજેતરમાં જ પત્નીની હત્યા કરી 25 વર્ષથી ફરાર આરોપીને શોધી કાઢ્યો હતો. જોકે, પોલીસની આ સફળતા બાદ એક આઘાતજનક વળાંક આવ્યો છે. આરોપી નિરાલા પ્રસાદ (ઉંમર 60 વર્ષ) એ પોલીસ કસ્ટડીમાં જ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.


શું હતો 25 વર્ષ જૂનો કેસ?

આશરે અઢી દાયકા પહેલા સાવલી વિસ્તારમાં નિરાલા પ્રસાદે તેની પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. હત્યાની ઘટના બાદ આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો. વર્ષો સુધી તે ઓળખ છુપાવીને ઉત્તર પ્રદેશમાં રહી રહ્યો હતો. વડોદરા એલસીબી (LCB) એ તાજેતરમાં બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઓપરેશન હાથ ધરીને આરોપીને યુપી (ઉત્તર પ્રદેશ) થી ઝડપી પાડ્યો હતો.

પોલીસ કસ્ટડીમાં આપઘાત

એલસીબીએ આરોપીની ધરપકડ કર્યા બાદ તેને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ભાદરવા પોલીસને સોંપ્યો હતો. જોકે, જેલના સળિયા પાછળ પહોંચેલા ૬૦ વર્ષીય નિરાલા પ્રસાદે ગમગીની કે ડરને કારણે આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.

પોલીસની કસ્ટડીમાં આરોપીએ આપઘાત કર્યો

ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી (DySP) મિલન મોદી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોપી 25 વર્ષથી નાસતો ફરતો હતો.ભાદરવા પોલીસની કસ્ટડીમાં આરોપીએ આપઘાત કર્યો છે. આ મામલે કસ્ટોડિયલ ડેથના નિયમો મુજબ આગળની તપાસ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Dang: પોલીસનું ઓપરેશન મિલાપ, 13 વર્ષથી ગુમ પુત્રનું પરિવાર સાથે મિલન


  • Follow us on: