વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ગણપતપુરા ગામ પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બે બાઇક વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનોને નાની-મોટી ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.


નોકરીએ જતા સમયે નડ્યો અકસ્માત 

મળતી માહિતી મુજબ, કરજણ તાલુકાના લીલોડ ગામના કેટલાક યુવાનો પોતાની બાઇક પર સવાર થઈને દરરોજની જેમ નોકરીએ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગણપતપુરા ગામ પાસે તેમની બાઇક અને સામેથી આવતી અન્ય એક બાઇક વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર દીપક રામુ વસાવા (રહે. લીલોડ) ને ગંભીર ઇજાઓ થતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

ત્રણ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

આ અકસ્માતમાં બાઇક પર સવાર અન્ય ત્રણ યુવાનોને પણ શરીરના ભાગે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કરજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતા જ કરજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક દીપક વસાવાના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ (PM) માટે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે લીલોડ ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: વસ્ત્રાલમાં જૂની અદાવતનો ખાર રાખી ઓફિસમાં તોડફોડ કરનાર સંકેત ચૌધરી ઝડપાયો

  • Follow us on: