વાઘોડિયામાં સગીરા પર દુષ્કર્મની ગંભીર ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાઘોડિયા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી કિશનની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપીએ અંધારાનો લાભ લઈ ગુનાહિત કૃત્ય આચર્યું
મળતી માહિતી મુજબ, આ બનાવ 29 ડિસેમ્બર, 2025ના રોજ મધરાત્રિએ બન્યો હતો. વાઘોડિયા ટાઉન વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા પોતાના ઓરડામાં ઊંઘી રહી હતી, ત્યારે આરોપીએ અંધારાનો લાભ લઈ ગુનાહિત કૃત્ય આચર્યું હતું.
કિશન વાઘોડિયામાં એક બર્થડે પાર્ટીમાં હાજરી આપવા આવ્યો હતો
આરોપી કિશન વાઘોડિયામાં એક બર્થડે પાર્ટીમાં હાજરી આપવા આવ્યો હતો અને ઉત્તરાયણ નજીક હોવાથી દોરા રંગવાના હેતુસર રાત્રી રોકાણ કર્યું હતું.
સગીરા ઉદાસ અને ગભરાયેલી રહેવા લાગતા પરિવારને શંકા ગઈ
ઘટના બાદ સગીરા ઉદાસ અને ગભરાયેલી રહેવા લાગતા પરિવારને શંકા ગઈ હતી. પૂછપરછ દરમિયાન સગીરાએ પોતાની માતાને સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. બાદમાં માતાએ પરિવારજનો સાથે ચર્ચા કરી વાઘોડિયા પોલીસ મથકે પહોંચીને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી
ફરિયાદ મળતાં જ વાઘોડિયા પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો---- Vadodara: પ્રેમસંબંધનો કરુણ અંત, મંગેતર યુવતીએ જ યુવકની હત્યા કરી, પોસ્ટમોર્ટમ રિપોર્ટે પોલ ખોલી