વલસાડ જિલ્લા પોલીસની નાસતા-ફરતા અપરાધીઓને પકડવાની ઝુંબેશને મોટી સફળતા મળી છે. ઉમરગામ પોલીસે પળગામમાં થયેલી સનસનાટીભરી ધાડના મુખ્ય સૂત્રધાર અને વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના મુંબઈથી દબોચી લીધો છે. ઝડપાયેલો આરોપી આંતરરાજ્ય ગુનેગાર હોવાનું અને તેની સામે મહારાષ્ટ્રમાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે વોન્ટેડ આરોપીને મુંબઈથી દબોચી લીધો
ગત 18 સપ્ટેમ્બર 2025ના રોજ ઉમરગામ તાલુકાના પળગામ સ્થિત માણેક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મધરાત્રે ધાડની ઘટના બની હતી. ટ્રક લઈને આવેલા ૧૦ થી ૧૨ જેટલા લૂંટારુઓએ તીક્ષ્ણ હથિયારો સાથે કંપની પર હુમલો કર્યો હતો. ધાડપાડુઓએ સિક્યુરિટી ગાર્ડ અને વર્કરોને માર મારી, બંધક બનાવી દીધા હતા. લૂંટારુઓ તેમનો મોબાઈલ અને કંપનીમાંથી કોપરનો કિંમતી માલ લૂંટવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયા હતા.
મુંબઈના ગોવંડીથી આરોપી ઝડપાયો
વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા અને ડીવાયએસપી બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ ઉમરગામ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ તેજ કરી હતી. જેમાં મુખ્ય સૂત્રધાર અહેમદ હુસૈન મહોમદ સતાર સાવત (ઉ.વ. ૪૯) મુંબઈના ગોવંડી વિસ્તારમાં હોવાની સચોટ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો: બાંધકામ સાઇટ પરથી સળિયા ચોરતી ગેંગના 3 સાગરીતો ઝડપાયા, એક આરોપી વિરુદ્ધ 27 ગુના નોંધાયેલા