વાપીના કરવડ ગામની સીમમાં આજે સવારે એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કરવડ ગામમાં વર્ષોથી ધમધમતા ભંગારના મોટા ગોડાઉનો પૈકીના એક ગોડાઉનમાં અગમ્ય કારણોસર આકસ્મિક આગ ફાટી નીકળી હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી આ આગે મિનિટોની અંદર જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, કારણ કે ગોડાઉનમાં પ્લાસ્ટિકના ભંગાર સાથે ઉદ્યોગોમાંથી નીકળતું જોખમી કેમિકલ વેસ્ટ મટીરીયલ ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવ્યું હતું.

એક પછી એક 4 ગોડાઉન લપેટમાં આવ્યા

આગ એટલી પ્રચંડ સ્પીડથી ફેલાઈ કે તેણે આજુબાજુમાં આવેલા અન્ય ચાર ગોડાઉનોને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગોડાઉનની અંદર રાખવામાં આવેલા કેમિકલના ડ્રમો એક પછી એક બ્લાસ્ટ થવા લાગ્યા હતા, જેના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી. કરવડ ગામની આસપાસના આકાશમાં કિલોમીટરો દૂરથી જોઈ શકાય તેવા કાળા ડિબાંગ ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા. ધુમાડાના કારણે આસપાસના સોસાયટી અને વાડી વિસ્તારના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ ઘર છોડીને સુરક્ષિત સ્થળે ભાગ્યા હતા.

GIDC ફાયર બ્રિગેડનું મેગા ઓપરેશન ચાલુ

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક વાપી જીઆઈડીસી ફાયર સ્ટેશનને આપત્તિ અંગેની જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ તુરંત એક્શનમાં આવીને શરૂઆતમાં ૪ વોટર બ્રાઉઝર અને ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે રવાના કર્યા હતા. કેમિકલની આગ હોવાથી પાણીની સાથે સ્પેશિયલ કેમિકલ ફોર્મ (Foam) નો મારો ચલાવવામાં આવી રહ્યો છે જેથી ઓક્સિજન કટ-ઓફ કરીને આગ પર વહેલી તકે કાબૂ મેળવી શકાય. વલસાડ જિલ્લા પોલીસનો કાફલો પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ટ્રાફિક ક્લિયરન્સ માટે કરવડ ગામે પહોંચી ગયો છે. પ્રાથમિક અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કરોડો રૂપિયાનો ભંગાર અને કેમિકલનો માલ બળીને ખાખ થઈ ગયો છે.

આ પણ વાંચો: Vadodara: અકોટા વિસ્તારમાં વૈભવી ફ્લેટમાં નશાનો કારોબાર, CID ક્રાઈમે 89.69 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજો અને રોકડ જપ્ત કર્યા