રંગોના પર્વ ધૂળેટીના દિવસે વલસાડ શહેરમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી હતી. રસ્તા પર ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે નશામાં ધૂત બે યુવકોએ એક નિર્દોષ વૃદ્ધ ખેડૂતને જાહેરમાં માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના પગલે વલસાડ સીટી પોલીસે કડક કાર્યવાહી કરી છે.

નશામાં ધૂત બે યુવકોએ એક નિર્દોષ વૃદ્ધ માર માર્યો

નવસારી જિલ્લાના કછોલી ગામના વતની અને વ્યવસાયે ખેડૂત એવા વૃદ્ધ જ્યારે વલસાડમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ઓવરટેક કરવા બાબતે બે યુવકો સાથે તેમની બોલાચાલી થઈ હતી. નશાની હાલતમાં રહેલા આ યુવકોએ વિવેક ગુમાવીને વૃદ્ધને રસ્તા પર જ બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયા હતા અને જોતજોતામાં વીડિયો વાયરલ થયો હતો.

યુવકોને પકડી તેમની પાસે માફી મંગાવી

શરૂઆતમાં ધૂળેટીના દિવસે પોલીસે બંને યુવકોને પકડી, તેમની પાસે માફી મંગાવી હતી અને પીધેલા હોવાનો (પ્રોહિબિશન) કેસ નોંધીને છોડી મૂક્યા હતા. પરંતુ, ગુનાની ગંભીરતા અને વૃદ્ધની શારીરિક તેમજ માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મામલાએ જોર પકડ્યું હતું. ભોગ બનનાર ખેડૂતની ફરિયાદના આધારે વલસાડ સીટી પોલીસે ગુનો નોંધીને બંને યુવકોની મારામારીના કેસમાં ફરી ધરપકડ કરી છે. પોલીસે આ બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. 

આ પણ વાંચો: બરોડા ડેરીની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર, ડેસરમાં ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ થઇ શકે