વલસાડ નગરપાલિકામાં આજે અચાનક સર્જાયેલા રાજકીય ભૂકંપને પગલે શાસક પક્ષ ભાજપમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નગરપાલિકાની મહત્વની ગણાતી એવી ટાઉન પ્લાનિંગ (TP) અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન પદેથી અમિત દેસાઈએ રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યાનો દાવો

ચેરમેન અમિત દેસાઈએ પોતાનું રાજીનામું સોંપતી વખતે વ્યક્તિગત કામોમાં વ્યસ્ત હોવાનું કારણ આગળ ધર્યું છે. તેઓ પોતાના અંગત કામોને કારણે જવાબદારી નિભાવી શકે તેમ ન હોવાથી આ નિર્ણય લીધો હોવાનું જણાવી રહ્યા છે. જોકે, તેમના આ અચાનક લેવાયેલા નિર્ણયને લઈને વલસાડના રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

ભાજપમાં મચી દોડધામ

અમિત દેસાઈ જેવા સક્રિય નેતાએ અચાનક સમિતિમાંથી રાજીનામું આપતા શાસક પક્ષ ભાજપના મોવડી મંડળમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડના રાજકારણમાં આ રાજીનામાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આ નિર્ણય પાછળ કોઈ આંતરિક ખેંચતાણ છે કે ખરેખર અંગત કારણો છે, તે અંગે રાજકીય ગલીઓમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.

આ પણ વાંચો: Vadodara: ઈઝરાયેલ યુદ્ધની અસર હવે રસોડા સુધી પહોંચી, ગેસની અછતને પગલે રેસ્ટોરેન્ટ્સને લાગ્યા તાળા