દાદરા અને નગર હવેલીમાં બનેલી બ્લાસ્ટની કમકમાટીભરી ઘટના બાદ સમગ્ર પંથકમાં શોક અને રોષનો માહોલ છે. આ ઘટનાની ગંભીરતાને જોતા દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે આજે સેલવાસની નમો હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના હાલચાલ જાણ્યા હતા અને હોસ્પિટલના તબીબો સાથે સીધી વાતચીત કરી ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે સૂચના આપી હતી.
પરિવારજનોને વળતરની ખાતરી
મુલાકાત દરમિયાન સાંસદ ઉમેશ પટેલે ઈજાગ્રસ્તો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારોને સરકારના રિલીફ ફંડમાંથી વહેલી તકે યોગ્ય આર્થિક વળતર મળે તે માટે તેઓ સરકારમાં સચોટ રજૂઆત કરશે.
તંત્ર સામે સવાલો: રહેણાંક વિસ્તારમાં મંજૂરી કોણે આપી?
સાંસદે આ સમગ્ર ઘટના અંગે પ્રશાસન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે માંગ કરી છે કે આ બ્લાસ્ટ પાછળના કારણો જાણવા માટે ન્યાયિક તપાસ થવી જોઈએ. તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, "રહેણાંક વિસ્તારની વચ્ચે આવા જોખમી ગોડાઉનને મંજૂરી કોણે અને કયા આધારે આપી? જે અધિકારીઓએ નિયમો નેવે મૂકીને પરવાનગી આપી છે, તેમની સામે કડક પગલાં લેવાવા જોઈએ."
તંત્ર પર નજર
સાંસદની આ રજૂઆત બાદ હવે સ્થાનિક પ્રશાસન કસૂરવાર અધિકારીઓ અને ગોડાઉન માલિક સામે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો--- Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી