વલસાડ જિલ્લાના નારગોલ અને ઉમરગામને જોડતા અત્યંત મહત્વના વારોલી બ્રિજની હાલત જોખમી બની ગઈ છે. ખાડી પર નિર્મિત આ બ્રિજમાં મોટી તિરાડો જોવા મળતા સ્થાનિક વાહનચાલકો અને રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ બ્રિજ તાજેતરમાં જ તૈયાર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે, છતાં ટૂંકા ગાળામાં જ તેમાં ગાબડાં અને તિરાડો પડતા તેની નિર્માણ ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકો આ મામલે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
મોટી હોનારતની રાહ જોવાય છે?
આ માર્ગ ઉમરગામ GIDC (GIDC) તરફ જતો મુખ્ય રસ્તો હોવાથી અહીં ચોવીસ કલાક ભારે વાહનોની અવરજવર રહે છે. બ્રિજની જર્જરિત હાલતને કારણે કોઈ મોટી હોનારત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જાગૃત નાગરિકોએ બ્રિજની તિરાડોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. જો ત્વરિત ધોરણે આ બ્રિજનું સમારકામ કરવામાં નહીં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.













