વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક અવાવરું જગ્યાએ આવેલા એક નાળામાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં મળેલી અજાણી મહિલાની 'મર્ડર મિસ્ટ્રી'નો વલસાડ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચકચારી કેસમાં જે ખુલાસો થયો છે તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. મહિલા સાથે દુષ્કર્મ આચરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર બીજું કોઈ નહીં, પરંતુ તેનો પોતાનો સગો જમાઈ જ નીકળ્યો છે. પોલીસે ઉત્તર પ્રદેશના ઉનાવની વતની અને મૃતક માયાદેવી પાસવાનની હત્યાના આરોપમાં તેના જમાઈ ભોજ કુમાર પાસીની ધરપકડ કરી છે.

સાસુ સાથે જ અનૈતિક સંબંધો બંધાયા

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી ભોજ કુમાર મુંબઈના બોઈસરમાં રેલવેમાં પ્લમ્બિંગનું કામ કરતો હતો. વર્ષ 2023 માં તેના લગ્ન માયાદેવીની પુત્રી સાથે થયા હતા. લગ્ન બાદ લંપટ જમાઈના તેની સાસુ સાથે જ અનૈતિક સંબંધો બંધાયા હતા. આ વાતની જાણ થતાં પુત્રીએ ભોજથી છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ સાસુ માયાદેવી વલસાડના હરિયા ગામમાં ભાડે રહીને અતુલ નજીક એક કંપનીના બગીચામાં કામ કરતી હતી, જ્યાં પણ બંને વચ્ચે શારીરિક સંબંધો ચાલુ રહ્યા હતા.

બીજા લગ્ન અને બ્લેકમેઇલિંગ બન્યું હત્યાનું કારણ

આ દરમિયાન સાસુ જમાઈ પર લગ્ન કરવાનું દબાણ કરતી હતી. જો કે, ભોજે થોડા સમય પહેલાં જ બોઈસરમાં અન્ય યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ વાતની ખબર પડતાં જ ગુસ્સે ભરાયેલી સાસુએ ભોજની નવી પત્ની અને સાસુને ફોન કરીને પોતાના આડા સંબંધોની વાત કહી દીધી અને છૂટાછેડા લેવા દબાણ કર્યું હતું. આ રોજ-રોજના વિવાદથી પીછો છોડાવવા ભોજે સાસુની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.

જમાઈ ભોજે સાસુ માયાદેવીની હત્યા કરી નાખી હતી

ઘટનાના દિવસે બંને અતુલ રેલવે સ્ટેશન નજીક સમાધાન માટે ભેગા થયા હતા. જ્યાં સમાધાન પહેલાં બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા અને ત્યારબાદ ફરી લગ્ન બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આવેશમાં આવીને જમાઈ ભોજે સાસુ માયાદેવીની હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહગ સાડીથી બાંધી નાળામાં ફેંકી દીધી હતી. હાલ વલસાડ પોલીસે આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો----    Ahmedabad : 1.60 કરોડની દાગીનાની ચોરીમાં મોટો ધડાકો, બુલેટથી દિલ્હી સુધીની સફર અને પછી પ્રેમીએ જ કર્યો ખેલ