વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે આદિવાસી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન માત્ર સમાજની એકતા માટે જ નહીં, પરંતુ તાજેતરમાં રાજકીય ક્ષેત્રે થયેલી ટિપ્પણીઓનો જવાબ આપવા માટેનું પણ મંચ બની રહ્યું હતું. વલસાડના સાંસદ ધવલ પટેલે આ મંચ પરથી મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંગ બારીયા દ્વારા મહિલાઓ વિશે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું.


નિવેદન સામે રોષ અને સવાલો

ધવલ પટેલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યએ મહિલાઓનું જે અપમાન કર્યું છે તે તેમની પક્ષની ખરાબ વિચારધારા અને નીચી માનસિકતા દર્શાવે છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આટલા ગંભીર અને અપમાનજનક નિવેદન છતાં કોંગ્રેસ પક્ષે હજુ સુધી પોતાના ધારાસભ્ય સામે કોઈ પણ પ્રકારના શિસ્તભંગના પગલાં કે એક્શન લીધા નથી.

આરક્ષણ અને વિકાસની ચર્ચા

સંબોધન દરમિયાન સાંસદે આદિવાસી સમાજને જાગૃત કરતા બે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો. તેમણે સવાલ ઉઠાવ્યો કે, આદિવાસી સમાજનું આરક્ષણ ખરેખર કોણ લેવા માંગે છે? તેમણે આડકતરી રીતે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સમાજે હવે સમજી જવાની જરૂર છે કે કોણ તેમના હકો છીનવવા માંગે છે.ધવલ પટેલે આદિવાસીઓને આહવાન કર્યું કે તેઓ પિછાણે કે ખરેખર સમાજનો વિકાસ કોણ કરવા માંગે છે અને કોણ તેમની પડખે મક્કમતાથી ઊભું છે.

સમાજને જાગૃત થવા હાકલ

સંમેલનના અંતે તેમણે ભાર પૂર્વક કહ્યું કે આદિવાસી સંસ્કૃતિ અને મહિલાઓનું સન્માન એ અમારી પ્રાથમિકતા છે. જે પક્ષ કે નેતા સમાજની દીકરીઓનું સન્માન જાળવી શકતા નથી, તેઓ સમાજનું ભલું ક્યારેય ન કરી શકે. નાનાપોંઢાના આ સંમેલને આગામી સમયમાં આદિવાસી પટ્ટામાં રાજકીય સમીકરણો વધુ તેજ બનાવ્યા છે.

આ પણ વાંચોઃ Rajkotમાં GSTની ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક, મોબાઈલ માર્કેટમાં દરોડાથી વેપારીઓમાં ફફડાટ


  • Follow us on: