એક એવા મહિલા પેશન્ટ કે જે પોતાના પગ પર ચાલી શકતા ન હતા, ત્રણથી ચાર માણસોએ ભેગા મળી પકડીને ચલાવવુ પડતુ હતું,પોતાના પગ પર ચાલી શકે તે માટે વલસાડ, નવસારી અને સુરત સહિતની અનેક ખાનગી હોસ્પિટલોના પગથિયા ઘસી નાંખ્યા અને પૈસાનું પાણી પણ કરી નાંખ્યુ છતાં કોઈ પરિણામ મળ્યુ ન હતું, એક દિવસ એમના દીકરાએ વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દર્દીને નિઃશુલ્ક સાજા થવાની રીલ જોઈ અને માતાને સારવાર અર્થે તુરંત લઈ આવી હોસ્પિટલમાં દાખલ કરી અને માત્ર પાંચ જ દિવસમાં મહિલા ચાલતી થઈ જતા જાણે આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિએ ચમત્કાર સર્જયો હોય એવો સુખદ અનુભવ થયો હતો.
આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહીયાળ ગામમાં મહેંદી ફળિયા ખાતે રહેતા ૫૧ વર્ષીય રેખાબેન અશોકભાઈ પટેલ અગાઉ સુરત ખાતે સ્કૂલમાં ફરજ બજાવતા હતા. છેલ્લા એક માસથી તેઓને હાથ- પગ ખૂબ જ દુખતા હતા. સારવાર અર્થે વલસાડ, ધરમપુર, નવસારી અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલોમાં અનેકવાર સારવાર કરાવી પણ કોઈ ફરક પડ્યો ન હતો આ દરમિયાન અંદાજે ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચો પણ થઈ ગયો હતો પરંતુ રિઝલ્ટ મળ્યુ ન હતું. આખરે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંચાલિત વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા.
