ડાભેલ (દમણ) ખાતે મજૂરના શંકાસ્પદ મોતના મામલે સર્જાયેલા ભારે આક્રોશ અને શોક વચ્ચે આજે મૃતકની અંતિમ યાત્રા નીકળી હતી. આ હૃદયદ્રાવક પ્રસંગે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ સામેલ થયા હતા. તેમણે મૃતકની નનામીને કાંધ પણ આપી હતી. આ દરમિયાન તેમણે પીડિત પરિવારને ન્યાયની ખાતરી આપી હતી.

સાંસદ ધવલ પટેલે આપી કાંધ

ડાભેલમાં બનેલી આ કરુણ ઘટનામાં માર મારવાના કારણે શ્રમિકનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આજે જ્યારે મૃતકની અંતિમ યાત્રા નીકળી, ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલ પોતે ડાભેલ પહોંચ્યા હતા. માત્ર રાજકીય મુલાકાત પૂરતું મર્યાદિત ન રહેતા, સાંસદે માનવતા દાખવી મૃતક મજૂરના શબને કાંધ આપી હતી. સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકો આ દ્રશ્ય જોઈ ભાવુક થયા હતા.

પીડિત પરિવારને સાંત્વના

પરિવારના મુખ્ય મોભીનું અકાળે અવસાન થતા પત્ની અને બાળકો નિરાધાર બન્યા છે. સાંસદ ધવલ પટેલે મૃતકના પત્ની અને સ્વજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે ખાતરી આપી હતી કે, આ મુશ્કેલ સમયમાં સમાજ અને સરકાર તેમની સાથે ઉભી છે. આ મુલાકાત દરમિયાન અનેક આદિવાસી આગેવાનો પણ તેમની સાથે જોડાયા હતા.


https://x.com/i/status/2002385961913610251


પોલીસ કાર્યવાહી અને એટ્રોસિટી એક્ટ

આ કેસની ગંભીરતાને જોતા પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ મામલે એટ્રોસિટી એક્ટ મુજબ કડક કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાંસદે સ્થળ પર હાજર પોલીસ કાફલાને સ્પષ્ટ સૂચના આપી હતી કે, ઘટનામાં સામેલ અન્ય ભાગેડુ આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવશે. તપાસમાં કોઈપણ પ્રકારની ઢીલાશ રાખ્યા વગર પરિવારને ઝડપી ન્યાય અપાવવામાં પુરતો સહકાર આપવામાં આવશે.

સમાજમાં ન્યાયની માંગ

આ ઘટનાને પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ અંતિમ યાત્રા શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ લોકોની આંખોમાં ન્યાય માટેની આશા સ્પષ્ટ દેખાતી હતી. સાંસદ ધવલ પટેલની આ સક્રિયતાએ પીડિત પરિવારને કાયદાકીય લડતમાં બળ પૂરું પાડ્યું છે.

વોટબેંકની રાજનીતિ પર પ્રહાર

ડાભેલમાં વિધર્મીઓના કથિત મારના કારણે આદિવાસી યુવાનના મોતના મામલે રાજકારણ ગરમાયું છે. વલસાડના સાંસદ ધવલ પટેલે માત્ર પીડિત પરિવારની મુલાકાત જ નથી લીધી, પરંતુ આદિવાસીઓના હિતરક્ષક હોવાનો દાવો કરતા વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો પણ કર્યા છે. મૃતક યુવાનની અંતિમ યાત્રામાં સામેલ થયા બાદ સાંસદ ધવલ પટેલે મીડિયા સમક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને આડે હાથ લીધા હતા.

તેમણે જણાવ્યું હતું કે, પોતાને આદિવાસીઓના મસીહા ગણાવતા આપના નેતા ચૈતર વસાવા અને વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અત્યારે ક્યાં છે? ડાભેલમાં એક આદિવાસી યુવાનની વિધર્મીઓ દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવી હોવા છતાં આ બંને નેતાઓએ પરિવારની ખબર સુદ્ધાં લીધી નથી. માત્ર વોટબેંકની રાજનીતિને કારણે વિપક્ષી ધારાસભ્યો આ ઘટના પર મૌન સેવી રહ્યા છે અને ડાભેલ તરફ ફરકવાની તસ્દી પણ લીધી નથી.


આ પણ વાંચો - Ahmedabad News: અમદાવાદને મળી પ્રથમ મેક ઈન ઈન્ડિયા મેટ્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટિટાગઢ રેલ સિસ્ટમ્સ પ્લાન્ટ ખાતે કર્યું સ્વાગત