દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક, ક્રૂર અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. પારડી તાલુકાના પલસાણા ગામે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા નિર્દોષ અને અબોલ પશુઓ પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. રખડતા મૂંગા જીવો પર આ પ્રકારની અમાનવીય અને રાક્ષસી ક્રૂરતા આચરવામાં આવતા સમગ્ર પંથકના પશુ પ્રેમીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે.
પશુઓ પર નરાધમોએ દાહક અને જલદ એસિડ ફેંક્યો
મળતી વિગતો મુજબ, પલસાણા ગામે રસ્તા પર ફરતા અને લટાર મારતા 4 થી 5 જેટલા ગાય-આખલા જેવા અબોલ પશુઓ પર કોઈ અજાણ્યા નરાધમોએ દાહક અને જલદ એસિડ ફેંક્યો હતો. આ એસિડ હુમલો એટલો ભયાનક હતો કે એસિડ પડવાને કારણે તમામ પશુઓની પીઠ અને પેટના ભાગેથી ચામડી આખેઆખી ઉખડી ગઈ છે.
પશુઓને અસહ્ય પીડા
ચામડી બળી જવાને કારણે પશુઓ અસહ્ય પીડાથી કણસી રહ્યા છે અને તેમના શરીરમાંથી લોહીની સેર ફૂટી નીકળતા તેઓ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા.
પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી
આ કરુણ દ્રશ્યો સોશિયલ મીડિયા પર અને સ્થાનિક સ્તરે વાયરલ થતાં જ પશુ કલ્યાણ સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ તાત્કાલિક પલસાણા ગામે દોડી ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી પીડાતા પશુઓની સારવાર માટે વેટરનરી ડોક્ટરોની ટીમ બોલાવી મલમ-પટ્ટી અને પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી છે. મૂંગા પશુઓ કોઈનું કંઈ બગાડતા ન હોવા છતાં તેમની પર આવો ઘાતકી હુમલો કરનારા વિકૃત માનસિકતા ધરાવતા લોકો સામે સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ છે.
કડક કાર્યવાહી કરવાની માગ
ગ્રામજનો અને પશુ પ્રેમીઓએ વહીવટી તંત્ર અને પોલીસ સમક્ષ માંગ કરી છે કે વીડિયો ફૂટેજ ચકાસીને આ ઘોર પાપ કરનારા નરાધમોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમની સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં 1.76 કરોડની ઉચાપતનો ખુલાસો