દમણમાં પર્યટકોનું અપહરણ કરી ખંડણી માંગવાના ચકચારી કેસમાં સંડોવાયેલા પોલીસકર્મીઓને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આરોપી પોલીસકર્મીઓની જામીન અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, દમણ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ (PI) સહિત નવ જેટલા પોલીસકર્મીઓએ ત્રણ પર્યટકોને ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા હતા અને તેમને છોડવા માટે રૂપિયા 25 લાખની માતબર રકમની ખંડણી માંગી હતી. રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી આ ઘટનાએ સમગ્ર પોલીસ વિભાગની છબી ખરડી નાખી હતી.
હાઈકોર્ટનો કડક વલણ
બોમ્બે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, કાયદાનું પાલન કરાવવાની જવાબદારી જેમના શિરે છે, તેવા પોલીસ અધિકારીઓ જ જ્યારે અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનામાં સામેલ હોય ત્યારે તેમને જામીન આપવા ઉચિત નથી. હાલમાં પીઆઈ સહિતના તમામ નવ પોલીસકર્મીઓ જેલના સળિયા પાછળ છે. આ કેસમાં પર્યટકોને ડરાવી-ધમકાવીને ખંડણી વસૂલવાનું જે ષડયંત્ર રચાયું હતું, તેના પુરાવાઓ ખૂબ જ મજબૂત હોવાનું કોર્ટમાં સામે આવ્યું છે. જામીન અરજી રદ થતા હવે આ ભ્રષ્ટ પોલીસકર્મીઓએ જેલમાં જ રહેવું પડશે.
