વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનાર પોલીસે ઝડપી પાડયા છે, પોલીસે CCTVના આધારે બન્ને આરોપીને ઝડપી પાડયા છે અને આરોપીઓના રિમાન્ડ મેળવી જેલ હવાલે કરાયા છે, પથ્થરમારામાં ટ્રેનના C/11 કોચનો કાચ તૂટી ગયો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં બન્ને આરોપીને ઝડપી પાડયા છે.
ત્રણ દિવસ અગાઉ ટ્રેનના કોચ પર પથ્થરમારો કર્યો હતો
વાપી નજીક 27 જાન્યુઆરીના રોજ વંદે ભારત ટ્રેનના એક કોચ પર પથ્થરમારાની ઘટના બની હતી અને ઉદવાડા અને વાપી સ્ટેશન વચ્ચે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, જેમાં C/11 કોચનો કાચ તૂટી ગયો હતો અને મુસાફરો ગભરાઈ ગયા હતા તો રેલવે સુરક્ષા બળ દ્વારા આ મામલે તપાસ કરાઈ હતી અને સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, મુંબઈ સેન્ટ્રલના સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર સંતોષ કુમાર સિંહ રાઠોરના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી.
અમદાવાદ ડિવિઝને સીસીટીવી આપ્યા અને કાર્યવાહી કરાઈ
અમદાવાદ ડિવિઝન પાસેથી ટ્રેનના એન્જિન અને કોચના CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. આ ફૂટેજમાં કિમી 177/07 નજીક બે શંકાસ્પદ વ્યક્તિઓ ટ્રેન પર પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા. મુખ્ય આરોપી સતેન્દ્રને સુરત રેલવે કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાંથી કોર્ટે તેને નવસારી સબ જેલમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે.









