બનાસકાંઠાના થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. મોડી રાત્રે થરાદ ચાર રસ્તા નજીક ફોરલેન રોડ પર એક પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર બેકાબૂ બની હાઈવેની રિલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે લોખંડની રિલિંગો તૂટી ગઈ હતી અને ગાડીને ભારે નુકસાન થયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માત
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સ્કોર્પિયો કાર ફૂલ સ્પીડમાં હોવાથી ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ગાડી રિલિંગ સાથે અથડાતા જોરદાર અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો છે. સદભાગ્યે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જેને કુદરતી કરિશ્મા માનવામાં આવી રહ્યો છે.
