વાવ થરાદ જિલ્લાના વાવ-થરાદ પંથકમાં આવેલા આકોલી ધરણીધર તાલુકા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે ટીપા-ટીપા વલખાં મારી રહેલા ગ્રામજનોના ધીરજનો અંત આવતા બુધવારે ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પાણી ન મળતા રોષે ભરાયેલી મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી હતી.
મહિલાઓએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો
લાંબા સમયથી પાણીની તંગી વેઠી રહેલી મહિલાઓએ તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવવા માટે રસ્તા પર જ માટલા ફોડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે, આ બાબતે સ્થાનિક સરપંચથી લઈને પાણી પુરવઠા વિભાગ સુધી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
દલિતવાસ અને ઠાકોરવાસમાં હાલાકી
ગામની ભૌગોલિક સ્થિતિ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, આકોલી ગામના દલિતવાસ અને ઠાકોરવાસ વિસ્તારમાં પીવાના પાણીની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. આ વિસ્તારોમાં અઠવાડિયા સુધી પાણીના દર્શન થતા નથી, જેના કારણે ગરીબ અને શ્રમિક પરિવારોને પૈસા ખર્ચીને પાણીના ટેન્કરો મંગાવવા અથવા દૂર-દૂર સુધી પાણી લેવા જવાની ફરજ પડી રહી છે.
માસૂમ બાળકો અને મૂંગા પશુઓ પણ તરસ્યા
ગામમાં પાણીની કટોકટી એટલી હદે વણસી છે કે, ગામની આંગણવાડીમાં આવતા નાના બાળકો માટે પણ પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ નથી, જે અત્યંત ચિંતાનો વિષય છે. બીજી તરફ, ગામના હવાડા ખાલીખમ પડ્યા હોવાથી ગાયો સહિતના મૂંગા પશુઓ પણ તરસ્યા રહેવા મજબૂર બન્યા છે, જેના કારણે પશુપાલકોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે.
તંત્રને આખરી ચીમકી
મહિલાઓએ મીડિયા સમક્ષ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો આગામી દિવસોમાં આકોલી ગામના તમામ વિસ્તારોમાં નિયમિત અને પૂરતું પીવાનું પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સરકારી કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે.
આ પણ વાંચો - Tharad: ધાનેરા પંથકમાં મોટી દીકરીનો પતિ સગીર સાળીને ભગાડી ફરાર થઇ ગયો