બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામમાં એક ગંભીર સાયબર ગુનાનો પર્દાફાશ થયો છે. સ્થાનિક સ્તરે ગામના લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઈને તેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે કરાતો હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં વાવ પોલીસે દેથળી ગામના 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાસકાંઠામાં સાયબર ફ્રોડનો મોટો ઘટસ્ફોટ
આ સાયબર ફ્રોડના મુખ્ય સૂત્રધાર તરીકે દેથળી ગામના હસમુખ રાવલ અને ગૌતમ રાવલ (બંને સગા ભાઈઓ) ના નામ સામે આવ્યા છે. આરોપીઓ ગામના ભોળા લોકો પાસેથી તેમના બેંક એકાઉન્ટ 'ભાડે' લેતા હતા અને ત્યારબાદ તે એકાઉન્ટનો ઉપયોગ સાયબર ગઠિયાઓ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીના નાણાં જમા કરાવવા માટે કરતા હતા. જેને ટેકનિકલ ભાષામાં 'મ્યુલ એકાઉન્ટ' (Mule Account) કહેવામાં આવે છે.
એક વર્ષમાં 2.99 કરોડની ઠગાઈ
આરોપીઓએ માત્ર એક જ વર્ષના ગાળામાં આ પ્રકારે અંદાજે ₹2.99 કરોડનું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. CID ક્રાઈમમાં થયેલી અરજી બાદ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો અને બાદમાં વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસ તપાસ અને કાર્યવાહી
દેથળી ગામના જ એક અરજદારે CID ક્રાઈમમાં અરજી કરતા તપાસનો દોર તેજ થયો હતો. હાલ વાવ પોલીસે હસમુખ રાવલ, ગૌતમ રાવલ સહિત કુલ 6 ઈસમો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી છે. આ નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad: AMTS શહેરભરમાં 800 આધુનિક સ્માર્ટ બસ શેલ્ટર બનાવશે, LED ડિસ્પ્લે દ્વારા મળશે બસના સમયની સચોટ માહિતી