ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા કરવામાં આવતા વાહન ચેકિંગમાં વધુ એક સફળતા મળી છે. થરાદ પોલીસે વાંતડાઉ ચેકપોસ્ટ નજીકથી ભારતમાલા હાઈવે પરથી બ્રાઉન હેરોઈન (સ્મેક) સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે.
સરહદ નજીક નશીલા પદાર્થોની હેરાફેરી
થરાદ પોલીસની ટીમ ભારતમાલા હાઈવે પર વાંતડાઉ ચેકપોસ્ટ પાસે સતત વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા વાહનને અટકાવી તપાસ હાથ ધરતા તેમાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પદાર્થ બ્રાઉન હેરોઈન હોવાનું સામે આવ્યું છે.
મુદ્દામાલ અને આરોપીઓ
પોલીસે સ્થળ પરથી 5.81 ગ્રામ બ્રાઉન હેરોઈન (સ્મેક) જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત ₹1.16 લાખ થાય છે. માદક પદાર્થ ઉપરાંત વાહન અને અન્ય સામાન મળીને કુલ ₹2.36 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ કાર્યવાહી
થરાદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસની સઘન પૂછપરછ ચાલુ છે. સરહદી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી માદક પદાર્થો પકડાવાનો સિલસિલો યથાવત રહેતા પોલીસ દ્વારા હવે વધુ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Vadodara: વાઘોડિયા રોડ પર અજાણ્યા વાહનની યુવતીને ટક્કર, હિટ એન્ડ રનની ઘટનામાં વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત