બનાસકાંઠા જિલ્લાના વાવ-સુઈગામ હાઈવે પર માર્ગ અકસ્માતની એક ગમખ્વાર ઘટના સામે આવી છે. રોડની સાઈડમાં ઉભેલા એક પીકઅપ ડાલાને બેફામ ઝડપે આવતા ટ્રેક્ટરે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું પોતાના જ વાહનના ટાયર નીચે આવી જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
ટ્રેક્ટર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત
મળતી માહિતી અનુસાર, વાવ-સુઈગામ હાઈવે પર એક પીકઅપ ડાલું રોડની સાઈડમાં ઉભું હતું. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેક્ટરના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રેક્ટર સીધું જ ઉભેલા પીકઅપ ડાલા સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેક્ટર ચાલક ઉછળીને નીચે ફેંકાયો હતો. કમનસીબે, ચાલક નીચે પડતાની સાથે જ તે પોતાના જ ટ્રેક્ટરની ટ્રોલીના ટાયર નીચે આવી ગયો હતો.
